સૌરાષ્ટ્રમાં ફરી એકવાર હનિટ્રેપ, અપહરણ અને ખંડણીનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. મોરબીના કારખાનેદાર યુવકને હનિટ્રેપમાં ફસાવીને ચોટીલા નજીક બોલાવી ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરી જઈ રૂા. ૫૦ લાખની ખંડણીની માંગણી કરી હતી. જે રકમ જસદણની એક આંગડિયા પેઢીમાંથી લેવાની હોવાથી અપહરણકર્તા તેને કારમાં લઈને જસદણ આવ્યા હતા, પણ મોકો જોઈને કારખાનેદાર બચીને ભાગી છૂટયો હતો. જેથી ભયભીત અપહરણકારો પણ છૂમંતર થઈ ગયા હતા. જો કે, જસદણ પોલીસને ખબર પડતા કારખાનેદારની બીનવારસું કાર કબજે લઈને ચોટીલા પોલીસને સોંપી છે, પણ હજુ ફરિયાદ નોંધાવાઈ નથી.

વિગત પ્રમાણે, જસદણના જુના બસ સ્ટેન્ડ નજીક બે દિવસ પહેલા એક કાર ઉભી રહી હતી, અને તેમાંથી એક વ્યક્તિ ભાગ્યો હતો. જેથી પાછળ કારમાંથી અન્ય ત્રણ શખ્સો પણ ભાગ્યા હતા. જે જોઈને લોકો એકત્ર થઈ ગયા હતા. જો કે, બાદમાં કાર લેવા કોઈ આવ્યું નહોતું. જેથી જસદણ પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવીને કારની તલાસી લેતા એક બેગમાં થોડા રોકડ રૂપિયા અને ડોક્યુેમન્ટ હતા. જેના આધારે તપાસ આગળ ધપાવતા મોરબીના એક કારખાનેદારે પોતાનું ચોટીલાથી અપહરણ થયાનું અને હવે બચીને પોતે ઘરે આવી ગયાની કેફિયત આપી હતી. પરિણામે જસદણ પોલીસે કાર સહિતનો મુદ્દામાલ ચોટીલા પોલીસને સોંપી દીધો હતો.
આ બાબતે ચોટીલા પોલીસે તપાસ શરૂ કરીને કારખાનેદાર યુવકને બોલાવી ફરિયાદ નોંધાવવા કહ્યું હતું, પણ તેણે ઈન્કાર કર્યો હતો. જેથી માત્ર નિવેદન લઈને જવા દેવાયો હતો. જેમાં તેણે પોલીસને જણાવ્યું કે, મોરબીમાં પોતાને કારખાનું છે. થોડા સમય પહેલા સોશ્યલ મીડિયામાં એક યુવતી સાથે સંપર્ક થયો હતો, જેણે બે દિવસ પહેલા તેને મળવા માટે ચોટીલા બોલાવ્યો હતો. જેથી પોતાના મિત્રની કાર લઈને ચોટીલા ગયો હતો, જ્યાંથી જસદણ તરફ જતા હતા ત્યારે યુવતીએ ઉલ્ટી થઈ રહ્યાનું કહેતા કાર ઉભી રાખી હતી. એ દરમિયાન ત્રણ-ચાર શખ્સો ધસી આવ્યા હતા અને યુવતીને એક શખ્સ સાથે મોકલી અન્ય ત્રણેય ઈસમો કારમાં અપહરણ કરી ગયા હતા. રસ્તામાં કારખાનેદારને મારકૂટ કરીને યુવતી તેની સંબંધી હોવાનું કહી ધમકાવ્યો હતો અને રૂા.૫૦ લાખની ખંડણી માંગી હતી. આ દરમિયાન તેઓ જસદણ પહોંચ્યા હતા અને ત્યાં કાર ઉભી રાખતા મોકો જોઈને કારખાનેદાર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જો કે, આજે પણ તેનો સંપર્ક કરતા ફરિયાદ નોંધાવવા ઈન્કાર કર્યો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.

