ભારત સાથે મિત્રતાનો દંભ કરતા ગત બે દિવસ દરમિયાન ઈન્ડોનેશિયા ખાતે સિરામીક ટાઈલ્સના આંતરરાષ્ટ્રીય સંગઠનની યોજાયેલી કાર્યકારી સમિતિમાં મોરબી અને ભારતનો સિરામીક ઉદ્યોગ ભાંગી જાય તેવા કાવત્રાનો પર્દાફાશ થયો હતો. ચીને આ બેઠકમાં સ્લેબ ટાઈલ્સ માટે ભારત અમલી ન કરી શકે તેવું વૈશ્વિક સ્ટાન્ડર્ડ અપનાવવા મરણિયા પ્રયાસો કર્યા પરંતુ, ભારતના ઉગ્ર વિરોધ તેમજ અન્ય દેશોએ વિરોધ નોંધાવતા આ કુટનીતિ નિષ્ફળ રહી હતી.

મોરબી સિરામીક ઉદ્યોગના સૂત્રો અનુસાર તા. 13 અને 14-11-2025ના સિરામીક ઈન્ડસ્ટ્રીઝના ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન આઈએસઓ-ટીસી- 189 ની બેઠક યોજાઈ હતી જેમાં ભારતના પ્રતિનિધિ તરીકે બી.આઈ.એસ. દિલ્હીના અશોક ખુરાના તથા બે મેમ્બર અને મોરબી સિરામીક એસો.ના પ્રમુખ હરેશ બોપલિયા, જેરામ કાવર હાજર રહ્યા હતા.આ બેઠકમાં સ્લેબ ટાઈલ્સ માટે પ્રવર્તમાન વર્લ્ડ સ્ટાન્ડર્ડને બદલાવીને ચીને ફ્લક્ચર સ્ટ્રેન્થ ઓફ ગ્લેઝ લાવવા માટે બેઠકમાં મરણિયા પ્રયાસો કર્યા હતા. આ સ્ટાન્ડર્ડ માટેનું રો મટીરીયલ્સ ભારતમાં ઉપલબ્ધ નથી તે જાણીને દેશના અને મોરબી કે જ્યાં દેશની 90 ટકા ટાઈલ્સનું ઉત્પાદન થાય છે તે ઉદ્યોગને અતિશય નુક્શાન જાય તેવી ચાલાકી દાખવી હતી. જો આ ચાલાકી સફળ થઈ હોત તો ભારતે રો મટીરીયલ્સ માટે અન્ય દેશોના મોહતાજ બનવું પડે તેમ હતું અને મોરબીનો વર્ષે આશરે રૂ।. 50,000 કરોડનું ટર્નઓવર કરતો ઉદ્યોગ વિશ્વમાં ખતમ થઈ જાય તેવા ચીનના કાવત્રાની ગંધ આવી જતા દેશના પ્રતિનિધિઓએ તેનોઉગ્ર વિરોધ નોંધાવ્યો અને અન્ય દેશોએ પણ તેનો વિરોધ કરતા ચીને પીછેહઠ કરવી પડી હતી.વધુમાં ચીન ભારતના ઉદ્યોગને નુક્શાન કરવા આવી કુટનીતિ અપનાવતા હોય બી.આઈ.એસ.-દિલ્હીના માર્ગદર્શનમાં મોરબી સિરામીક ઉદ્યોગે એલર્ટ રહેવું પડે છે.

