રાજકોટ નજીક ભાવનગર હાઇ-વે પર આવેલા ગઢકા ગામેથી ગત તા. 8ના રોજ 700થી 800 પરિવારોનો સંઘ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પાસે આવેલા મેરા ગામે જવા ઉપડયો હતો. મુંધવા પરિવાર દ્વારા તા. 18થી 24 સુધી મેરા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન હતું. શ્રધ્ધાપૂર્વક ધાર્મિક મહોત્સવમાં ભાગ લઇ ભગવાન ભોળાનાથના મંદિરે ધજા ચડાવવાના હતા. પરંતુ ગઇકાલે રાત્રિના લખતર નજીક અકસ્માતે ડમ્પરની હડફેટે આવી જતાં 6 પદયાત્રિકો સહિત 7ના કરૂણ મોત નિપજ્યા હોવાનું ગઢકા ગામના અગ્રણીઓએ જણાવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી નજીક મેરા ગામે જવા માટે મુંધવા પરિવારના શ્રધ્ધાળુ લોકો એકત્ર થઇને ધર્મોત્સવમાં સંકલ્પ સાથેની મનોકામના સિધ્ધ થાય તેવા સંકલ્પ સાથે નીકળ્યા હતાં. જેમાં ગઢકા ગામે સમગ્ર વિસ્તારના મુંધવા પરિવારના સભ્યો એકત્ર થયા હતા. ઘટનાની વિગતોના સંદર્ભે ગઢકા ગામના મેહુલભાઇએ જણાવ્યું હતું કે તા. 9ને બુધવારે સંઘ અહીંથી રવાના થયો ત્યારે પરિવારના ભાઈઓ-બહેનો સહિત 700થી 800 લોકો સાથે જ હતા. પદયાત્રાના રૂટ ઉપર આવેલા તમામ દેવસ્થાનોમાં પૂજા-અર્ચન બાદ ધ્વજારોહણનો ઉપક્રમ હોવાથી રાત્રિ દરમિયાન યાત્રિકો પગપાળા ચાલતા હતા અને સવારે ઉતારે પહોંચીને ધ્વજારોહણ કરતા હતા તેમ જણાવી મૃતકના પરિવારજન મસાભાઈ મુંધવાએ કહ્યું હતું કે પદયાત્રિકોનો તા. ૧૪ના મંગળવારે વિરમગામમાં આવેલા રાજબાઇ માતાજીના મંદિરે મુકામ હતો. ત્યાં મંદિરે ધજા ચડાવવાનાં હતા. પરંતુ ગઇકાલે રાત્રિના લખતરથી હાઇ-વે ઉપર આગળ રસ્તો ક્રોસ કરવા જતાં કાળમુખા ડમ્પરે હડફેટે લેતાંગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સાથે છ પદયાત્રિકો સહિત 7 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હતાં.
યાત્રાળુઓના સંઘના આયોજન વિશે વધુમાં જણાવાયું હતું કે તા. 16ના દેત્રોજ તાલુકાના શક્તિ માતાજીના મંદિરે ધજા ચડાવવાનું આયોજન હતું. તા. 17નાં પાટેશ્વર મહાદેવ મંદિર જે મેરા ગામે આવેલું છે. પાટડી તાલુકાના આ ગામે ભગવાન ભોળાનાથના મંદિરે ધ્વજારોહણ બાદ તા. ૧૮થી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન હતું. જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના મુંધવા પરિવારના અનેક લોકો ભાગ લેવાના હતા પરંતુ ગમખ્વાર દુર્ઘટનાને પગલે આ વિસ્તારના ગામો સહિત અનેક પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

