RAJKOT : લાયન લેન્ડસ્કેપમાં કુદરતી જળસ્ત્રોત સૂકાઈ જતાં 600 કૃત્રિમ પોઈન્ટ શરૂ

0
21
meetarticle

ઉનાળાની સિઝનમાં દર વખતે વનતંત્ર દ્વારા વન્યજીવો માટે પાણીના કૃત્રિમ પોઈન્ટ શરૂ કરવાની ફરજ પડે છે. આ વખતે લાયન લેન્ડસ્કેપ વિસ્તારમાં કુલ ૬૦૦ જેટલા પાણીના પોઈન્ટ શરૂ કરવામાં આવ્યા છે. ઉનાળાની શરૂઆતથી જ અનેક વિસ્તારોમાં પાણીના કુદરતી સ્ત્રોત સૂકાઈ જવાથી વન્યજીવોને પાણી માટે ભટકવું ન પડે તેના કારણે કૃત્રિમ પોઈન્ટ શરૂ કરવામાં આવ્યા છે. સિંહ, દીપડા, હરણ, સાબર સહિતનાં વન્યપ્રાણીઓ ઉનાળામાં પાણીના પોઈન્ટની આસપાસ ધામા નાખે છે.

જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા વન્યજીવોને ઉનાળામાં પાણી માટે વલખાં ન મારવા પડે તે માટે પાણીના કૃત્રિમ પોઈન્ટ તૈયાર કરવામાં આવે છે. લાયન લેન્ડસ્કેપ વિસ્તારમાં 600 જેટલા કૃત્રિમ પોઈન્ટમાંથી 95 ટકા પાણીના પોઈન્ટ સોલારની મદદ વડે ભરવામાં આવે છે. બાકીના પોઈન્ટ ટેન્કર મારફત, શ્રમિક દ્વારા ભરાઈ રહ્યા છે. પાણીના પોઈન્ટની દરરોજ સફાઈ કરી બાદમાં તેને ભરવામાં આવે છે. આ અંગેની સતત જાણકારી રહે તે માટે જે શ્રમિક પાણીના પોઈન્ટની સફાઈની કામગીરી કરતા હોય તેણે સફાઈ કર્યા બાદ તેના અધિકારીને જીપીએસવાળા ફોટા મોકલવાના રહે છે.

ગીરમાં તથા તેની આસપાસના વિસ્તારમાં 40 જેટલા સસ્તન, 47 સરિસૃપ અને 338 જેટલા પક્ષીઓની પ્રજાતિ છે. આ ત્રણેય પ્રજાતિની વસ્તીને પાણી માટે મુશ્કેલી ન પડે અને ચોખ્ખું જ પાણી મળે તે માટે પાણીના કૃત્રિમ અવેડાને સમયાંતરે ચુનો લગાડવામાં આવે છે, જેના લીધે પાણી વધુ પડતું ગરમ ન થાય. પાણીના પોઈન્ટ ભરવા માટેની સોલાર પેનલની પણ સમયસર સફાઈ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉનાળામાં પડતી કાળઝાળ ગરમીના કારણે માંસાહારી પ્રાણીઓ ત્રાહિમામ થઈ જાય છે. ગરમીથી રક્ષણ માટે મોટાભાગના તમામ પ્રાણીઓ પાણીના પોઈન્ટની આસપાસ ધામા નાખી દિવસ પસાર કરે છે. રાત્રીના સમયે ઠંડક થાય તેટલે લટાર મારવા નીકળી જાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here