રાજકોટ, : જૂનાગઢ જિલ્લાની જીવાદોરી સમાન ઓઝત નદી ઘણા સમયથી ખનીજ માફિયાઓના લાલચુ પંજામાં ફસાઈ છે. વંથલી પંથકમાં મોટાપાયે રેતીનું ગેરકાયદે ખનન થઈ રહ્યું હોવાની બાતમી પરથી રાજકોટ સ્થિત ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોડની ટીમે ત્રાટકીને ઓઝત નદીમાં પાણી હોવા છતાં વેક્યુમ સિસ્ટમથી ડ્રેજીંગ કરીને પેટાળમાંથી રેતી ઉલેચતા 8 મોટા બાર્જ અને 4 હોડી ઉપરાંત 2 ટ્રક સહિતના રૂા. 1.28 કરોડના સાધનો ઉપરાંત 2000 ટન રેતીનો જથ્થો ઝડપી લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. અહીંથી 6 શખ્સોને સકંજામાં લઈને મુખ્ય ખનીજમાફિયાની શોધખોળ હાથ ધરી હતી.

રાજકોટ ફ્લાઈંગ સ્કવોડના મદદનીશ નિયામકની ટીમે બાતમીના આધારે કણજડીથી વંથલી વચ્ચેના ઓઝત નદીના પટ્ટમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં ખુલ્યું કે, કોઈપણ સિંચાઈ પ્રોજેક્ટ કે નદી પરના પુલથી 500 મીટરની ત્રિજ્યામાં રેતી ખનન પર પ્રતિબંધ હોવા છતાં વંથલી પાસે નેશનલ હાઈવેના પુલથી માત્ર 350 મીટરના અંતરે માફિયાઓ નિર્ભય બનીને રેતી ચોરી કરી રહ્યા હતા. તપાસ દરમિયાન રૂા. 40 લાખના 8 મોટા બાર્જ (મશીનરી સજ્જ બોટ), રૂા. 8 લાખની 4 નાની નાવડી ઉપરાંત રૂા. 80 લાખની કિંમતના રેતી ભરેલા 2 ટ્રક-ડમ્પર મળીને કુલ અંદાજે રૂા. 1.28 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. આ સાથે સ્થળ પરથી છ શખ્સોને સકંજામાં લેવાયા હતા, જ્યારે અન્ય ઈસમો નાસી છૂટયા હતા. જેથી તમામ મશીનરી અને વાહનો સીઝ કરાયા હતા. આ ઉપરાંત 2000 ટન રેતીનો જથ્થો મળ્યો હતો, જેની માપણી ચાલુ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ખનીજ ચોરોએ નદીમાં પાણી ભરેલું હોવાથી ખાસ પ્રકારના ‘બાર્જ’ (મોટી બોટ) ઉતાર્યા હતા. જેમાં હાઈ-પાવર વેક્યુમ મશીનરી ફીટ કરવામાં આવી હતી, જે નદીના તળિયેથી રેતી ઉલેચીને બહાર કાઢે છે. આ હાઈટેક ખનીજચોરીમાં નદીના એક છેડાથી બીજા છેડા સુધી ચેનલ બનાવીને ઊંડા ખાડા પણ પાડી દેવામાં આવતા હોય છે. આ ગેરકાયદે પ્રવૃત્તિને કારણે નદીમાં રહેલા જળચર જીવોના રહેઠાણો નાશ પામે છે અને માછલીઓ સહિતના જીવો પર અસ્તિત્વનું જોખમ ઊભું થાય છે.
એક બોટ વડે 25 ટનથી વધુ રેતી ઉલેચાતી હતી!
રાજકોટ ફ્લાઈંગ સ્કવોડની તપાસ દરમિયાન અંદાજે 2000 ટન સાદી રેતીનો જથ્થો પકડાયો હતો. એક બોટ દ્વારા દરરોજ 25 ટન જેટલી રેતી કાઢવામાં આવતી હોવાનું પ્રાથમિક રોજકામમાં બહાર આવ્યું છે. આ આંકડા પરથી અંદાજ લગાવી શકાય છે કે દરરોજ લાખો રૂપિયાની સરકારી રોયલ્ટીની ચોરી કરવામાં આવતી હતી.

