એક સમયે ભાજપના રાજકારણનું અને સત્તાનું કેન્દ્ર રહેલા, ખુદ વડાપ્રધાને જ્યાંથી જિંદગીની પ્રથમ ચૂંટણી લડી અને જે શહેરે ભાજપને સૌપ્રથમવાર ગુજરાત ધારાસભામાં બેઠક અપાવી તે રાજકોટમાં નેતાઓ નાણાવાળા તો થઈ ગયા છે પરંતુ, પક્ષ પર સત્તા અને નિયંત્રણ ગુમાવી દીધું છે. ગુજરાત સરકારની પુનઃરચનામાં રાજકોટનું પત્તુ કાપ્યા બાદ પ્રદેશ ભાજપ સંગઠનમાંથી પણ રાજકોટના નેતાઓની બાદબાકી કરી દેવાઈ છે.

આ પહેલા રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા એકમાત્ર મહિલાને કેબીનેટ મંત્રી પદ અપાયું તે છિનવાયું અને તેના વિકલ્પે સૌરાષ્ટ્રમાં સર્વાધિક લીડથી જીતેલા ડો.દર્શિતા શાહના નામની ચર્ચા વચ્ચે જામનગરના રીવાબાને તો રાજકોટના ઉદય કાનગડ કે જિલ્લાના જયેશ રાદડીયાને બદલે મોરબીના અમૃતિયાને મંત્રીપદ અપાયું હતું. હવે પ્રદેશના નવા સંગઠનમાં પૂર્વ પ્રદેશ પ્રમુખની નજીક ગણાતા ડો.ભરત બોઘરાને ઉપાધ્યક્ષ પદે અને બીનાબેન આચાર્યનું પક્ષમાં મંત્રી પદે રીપીટ નહીં કરાતા શહેરના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.
સ્વ.વિજય રૂપાણી અગાઉ મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટમાં અનેક નેતાઓને ભરપેટ સત્તા ભોગવવા મળી હતી જે હાલ હાંસિયામાં છે અને ફરી ફરી પદપ્રાપ્તિ માટે પ્રયત્નશીલ થયા તો નવા અને વર્ષોથી પદથી વંચિત નેતાઓ તેમને તક અપાય તે માટે પ્રયત્નશીલ હતા. ‘હું નહીં પણ તુ ‘એવી ભાવના જતી રહેતા પક્ષે તમામને પડતામુકીને રાજકોટને પદમુક્ત કરી દીધું છે. . હવે રાજકોટ શહેર ભાજપ સંગઠનના 21 હોદ્દેદારો અન્ય 42 જિલ્લા-મંડળના હોદ્દેદારો સાથે નક્કી કરવાની પ્રક્રિયા બે-ત્રણ દિવસમાં હાથ ધરાશે તેમ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે શહેરના સંગઠનમાં પદ માટે પણ કાર્યકરોમાં તીવ્ર ખેંચતાણ છે.

