ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ આ વર્ષે ચિત્ર કંઈક અલગ હોઈ શકે છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે (Skymet) વર્ષ 2026ના ચોમાસાને લઈને પૂર્વાનુમાન જાહેર કર્યું છે. જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચિંતા વધારનારું છે.

સામાન્યથી ઓછો વરસાદ રહેવાની આગાહી
સ્કાયમેટના અહેવાલ મુજબ, આ વર્ષે દેશમાં ચોમાસું 94 ટકા (અંદાજે 817 મિ.મિ.) રહેવાની શક્યતા છે. આનો અર્થ એ થયો કે, આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં ઓછો એટલે કે નબળો રહી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની મોટી ખાધ જોવા મળી શકે છે.
અલ નીનો ફેક્ટર બનશે વિલન?
હવામાન નિષ્ણાતોના મતે, પેસેફિક મહાસાગરમાં સર્જાતો અલ નીનો પ્રવાહ આ વર્ષે સક્રિય થઈ શકે છે. તેની સીધી અસર ભારતીય ચોમાસા પર પડે છે. ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે. વિવિધ મોડેલો અનુસાર, સામાન્યથી વધુ વરસાદની શક્યતા માત્ર 10% છે, જ્યારે દુષ્કાળની શક્યતા 30% જેટલી વધારે છે.
શું આ આગાહી બદલાઈ શકે?
જોકે, હવામાન વિભાગનું માનવું છે કે, ક્લાયમેટ ખૂબ ઝડપથી બદલાય છે. ઘણીવાર અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડા કે લો-પ્રેશર સિસ્ટમને કારણે આગાહી કરતાં વધુ વરસાદ પણ પડી જાય છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા સત્તાવાર પૂર્વાનુમાન હજુ જાહેર કરવામાં આવ્યું નથી, જેના પર સૌની મીટ મંડાયેલી છે.
