ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે એકતાનગરના એકતા ઓડિટોરિયમમાં આદિવાસી સાંસ્કૃતિક મહોત્સવ “રંગોત્સવ” ભવ્યતા સાથે ઉજવાયો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવી, નાંદોદ ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ ઉત્સવમાં લોકપ્રિય ગાયક અને કલાકાર શ્યામલ મુન્શી, શૌમિલ મુન્શી અને આરતી મુન્શીએ તેમના સંગીતથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમણે લોકગીતો, ગુજરાતી ગીતો, દોહા, છંદ અને ભજનો જેવા વિવિધ સંગીત સ્વરૂપો રજૂ કરીને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની અનોખી પ્રસ્તુતિ કરી હતી. અને આદિવાસી સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓને ઉજાગર કરતું ગીત પણ રજુ કરવામાં આવ્યું હતું.

આ વેળાએ નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, ગુજરાતના કલાકારો દ્વારા એકતાનગર ખાતે ગુજરાતની સંસ્કૃતિનું સુંદર પ્રદર્શન સાથે કલાકારોએ પોતાના ગીતો દ્વારા, અવાજની લાગણી દ્વારા સંસ્કૃતિને જીવંત બનાવી. ગુજરાતનો સાંસ્કૃતિક વારસાને સાચવવાની વાત કરતાં તેમણે જણાવ્યું કે, ગરબા થી લઈને આદિવાસી સંસ્કૃતિના ગીતો, નાના બાળકો માટેના ગીતો , ભજનો જે લોકોમાં ઉત્સાહ વધારવામાં અને સંસ્કૃતિને જાળવવામાં સહાયરૂપ બને છે. ગુજરાતની સંસ્કૃતિને અનેક કવિઓએ લોકગીતો, ગુજરાતી ગીતો, દોહા, છંદો અને ભજનો દ્વારા સમૃદ્ધ બનાવી છે, જે કવિઓની આગવી ઓળખ છે.

વધુમાં જણાવ્યું કે, આદિવાસી સાંસ્કૃતિક મહોત્સવ આયોજનો માત્ર મનોરંજન પૂરતા સીમિત નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિને નવી ઓળખ આપીને લોકોમાં પ્રેરણા પૂરી પાડે છે. તેમણે કલાકારોની પ્રશંસા કરતાં કહ્યું કે તેમના પ્રયાસોથી ગુજરાતી સંગીતની મીઠાશ અને સુંદરતા જળવાઈ રહી છે.

ગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ ઉત્સવને ઉપસ્થિત સૌ કોઈએ બિરદાવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા ગુજરાતની આદિવાસી કલા અને સંસ્કૃતિને એક નવું પ્લેટફોર્મ મળ્યું છે, જે ભવિષ્યમાં પણ આવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પ્રેરણાદાયક બનશે.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

