શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપળા ખાતે મકરસંક્રાંતિ નિમિત્તે પતંગ ઉત્સવનું ભવ્ય આયોજન રાજપીપળા સ્થિત શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કેમ્પસમાં આજે મકરસંક્રાંતિના પાવન અવસરે પરંપરાગત પતંગ ઉત્સવનું આનંદમય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં કોલેજના પ્રાધ્યાપકો, વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો (HOD), શિક્ષક તથા બિનશિક્ષક સ્ટાફ સાથે સાથે કોલેજના આશરે ૧૫૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ કાર્યક્રમનું આયોજન કોલેજના માનનીય પ્રિન્સિપાલ ડૉ. એસ. જી. માંગરોલા સાહેબના માર્ગદર્શન અને પ્રેરણાથી કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ કોલેજ NSS યુનિટ મારફતે સુચારુ રીતે યોજાયો હતો.
પતંગ ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ અને સ્ટાફે પરસ્પર સહભાગિતા, ટીમવર્ક અને સાંસ્કૃતિક પરંપરાનો આનંદ લીધો. મકરસંક્રાંતિ જેવા લોકોત્સવ દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, સામૂહિકતા અને આનંદભાવના વિકસે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રિન્સિપાલશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે તથા શૈક્ષણિક જીવનમાં તણાવ ઘટાડવામાં સહાયક બને છે. કાર્યક્રમ અંતે NSS યુનિટના સંયોજકો તથા સ્વયંસેવકોએ સમગ્ર આયોજન સફળ બનાવવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.પતંગ ઉત્સવ દરમિયાન સેરડીના સાઠા, તલની ચીકી, તલના લાડુ તથા ચિકીની ભરપૂર મીઠાસ સાથે વિદ્યાર્થીઓએ પરંપરાગત વાનગીઓનો આનંદ માણ્યો.
આ રીતે શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપળામાં યોજાયેલ પતંગ ઉત્સવ મકરસંક્રાંતિની ઉજવણીનો આનંદદાયક અને યાદગાર પ્રસંગ બન્યો હતો.
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

