ભુતાન ખાતે યોજાયેલા એશીયન 6A સાઈડ હેન્ડબોલ ટુર્નામેન્ટ માં ભારતે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયનશીપ જીતવાનું ગૌરવ મેળવ્યું છે. આ વિજય માત્ર દેશ માટે જ નહીં પરંતુ નર્મદા જિલ્લાના રમતગમત ઇતિહાસ માટે પણ ગૌરવની ક્ષણ બની છે.

આ સ્પર્ધામાં નર્મદા જિલ્લાના યુવા ખેલાડી દેવાંશુ વસાવાએ ભારત તરફથી રમતાં વિશેષ યોગદાન આપ્યું હતું. દેવાંશુ, નાંદોદ તાલુકાની પ્રાથમિક શાળા તરોપા ખાતે ફરજ બજાવતા અનિલકુમાર ભુલાભાઈ વસાવા અને પ્રાથમિક શાળા વીરસિંગપુરાના શિક્ષિકા શ્રીમતી હેતલકુમારી વસાવાના પુત્ર છે. નર્મદા જિલ્લાના ગામડામાંથી આગળ આવેલો આ ખેલાડી એશિયાના મંચ પર ભારતને ગૌરવ અપાવે તે સમગ્ર નર્મદા જિલ્લા માટે પ્રેરણાદાયક ઘટના છે.

ભારતની જીતની સફર અત્યંત પ્રભાવશાળી રહી હતી. પ્રથમ મુકાબલામાં ભારતે યજમાન દેશ ભૂતાન સામે જબરદસ્ત પ્રદર્શન કરતાં 13-2ના સ્કોરથી વિજય મેળવ્યો હતો. બીજી મેચમાં ભારતે પડોશી દેશ નેપાળ સામે એકતરફી રમતમાં 15-0થી વિજય મેળવી સૌને ચકિત કરી દીધા હતા. સેમિફાઇનલમાં ભારતે રોમન ટીમનો સામનો કર્યો હતો, જેમાં ટીમે ઉત્તમ સંકલન અને કૌશલ્યનો પરિચય આપીને જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અંતે, ફાઇનલ મુકાબલો બાંગ્લાદેશ સામે રમાયો હતો. કઠિન મુકાબલામાં ભારતીય ટીમે હિંમત અને સંકલ્પના બળ પર શાનદાર વિજય મેળવીને ચેમ્પિયનશીપ ટ્રોફી પોતાના નામે કરી હતી.
આ સમગ્ર સ્પર્ધા દરમિયાન ભારતીય ટીમે એકતા, દ્રઢતા અને ખેલભાવનાનું અદભૂત પ્રદર્શન કર્યું હતું. તેમાં દેવાંશુ વસાવાના પ્રદર્શનને સૌએ વખાણ્યું હતું. એક પ્રાથમિક શિક્ષકના દીકરાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશને ગૌરવ અપાવ્યું તે વાતે સમગ્ર શિક્ષક સમાજ, નર્મદા જિલ્લો અને ગુજરાત રાજ્ય ગૌરવાન્વિત થયા છે.

આ સિદ્ધિ માત્ર દેવાંશુ વસાવા અને તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર નર્મદા જિલ્લાના રમતવીરો માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થશે. રમતગમત ક્ષેત્રે ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉદ્ભવેલા યુવાનો પણ મહેનત, શિસ્ત અને લગનથી આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન મેળવી શકે છે તેવો સંદેશ આ વિજય દ્વારા પ્રાપ્ત થયો છે.
આ વિજય સાથે ભારતે એશિયાના હેન્ડબોલ ક્ષેત્રમાં પોતાનું શાનદાર સ્થાન મજબૂત કર્યું છે, તો નર્મદા જિલ્લાએ રમતગમતના ઇતિહાસમાં એક નવી સિદ્ધિ નોંધાવી છે.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

