વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૯ માં ‘ફિટ ઇન્ડિયા અભિયાન’ની શરૂઆત કરી હતી, જેનો મુખ્ય હેતુ દેશવાસીઓની જીવનશૈલીમાં સ્વસ્થ અને હકારાત્મક પરિવર્તન લાવવાનો છે. પ્રેરણા રૂપ બનેલી એક અનોખી પહેલ રૂપે આ અભિયાન અંતર્ગત સાયકલિસ્ટ દ્વારા ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે સમર્પિત “કશ્મીર ટુ કન્યાકુમારી સાયક્લિંગ એક્સપેડિશન – અ રાઈડ ફોર યુનિટી” નું આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય સ્તરના આ અભિયાનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ૧૫૦ સાયકલિસ્ટ્સ ભાગ લઇ રહ્યા છે. આ સાયકલિસ્ટ્સ શ્રીનગરથી કન્યાકુમારી સુધીનું અંદાજે ૪૪૮૦ કિમીનું અંતર કાપશે. યાત્રાનો હેતુ દેશની એકતા, અખંડિતતા અને “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંદેશને સાકાર કરવાનો છે.

યાત્રા દરમિયાન રાઈડર્સે વિવિધ રાજ્યો અને શહેરોમાંથી પસાર થઈ લોકોમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, એકતા અને સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃતિ ફેલાવી છે. ગોધરાથી ૧૪૫ કિમીની સફર પૂર્ણ કર્યા બાદ રાઈડર્સની ટુકડી સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે પહોંચી હતી, જ્યાં વિવિધ રમત કોચ દ્વારા તેમનું ઉષ્માસભર સ્વાગત કરાયું હતું. વધુમાં નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી દિનેશભાઈ ભીલે સાયકલિસ્ટ ટીમને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ સ્મૃતિચિન્હ રૂપે ભેેટ આપી હતી.

રાઈડર્સે એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને સરદાર સાહેબના અવિસ્મરણીય યોગદાનને નમન કર્યો હતો. રાઈડર્સ સરદાર સાહેબની પ્રતિમાની ભવ્યતા જોઈને અભિભૂત થયા હતા.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

