નર્મદા જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળના ટેન્ડર મુદ્દે ભાજપમાં જ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. એક તરફ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ઓછા ભાવોને કારણે ‘રી-ટેન્ડરિંગ’ની માગણી કરી રહ્યા છે, તો બીજી તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવા ‘વર્ક ઓર્ડર’ તાત્કાલિક આપવાની રજૂઆત કરી રહ્યા છે. આ મુદ્દે સરકારમાં થયેલી રજૂઆતોથી રાજકારણ ગરમાયું છે.
નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે રાજ્ય સરકારના મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે, મનરેગાના ટેન્ડર માટે એજન્સીઓએ માર્કેટ અને એસ.ઓ.આર. (Schedule of Rates) રેટ કરતાં 50 થી 60 ટકા ઓછા ભાવ ભર્યા છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આટલા નીચા ભાવે કામ માટે માલસામાન પહોંચાડવો શક્ય નથી. તેમનો તર્ક છે કે આનો હેતુ ભવિષ્યમાં નાણાકીય ઉચાપત કરવાનો હોઈ શકે છે. તેથી તેમણે આવા ટેન્ડરો મંજૂર ન કરવા અને ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા વિનંતી કરી છે.

તો બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ નર્મદાના DDOને પત્ર લખીને આ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયાને 4 મહિના વીતી ગયા હોવા છતાં વર્ક ઓર્ડર આપવામાં આવ્યા નથી. તેમના મતે, ઓછા ભાવોથી સરકારી નાણાંની બચત થાય છે, ઉચાપતનો કોઈ પ્રશ્ન નથી.
વસાવાએ કેટલાક અધિકારીઓ પર આક્ષેપ કરતા કહ્યું છે કે, તેઓ યોજનાની માર્ગદર્શિકાઓને અવગણીને ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ કરી રહ્યા છે અને ઓછો ભાવ ગણાવીને ટેન્ડર રદ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારનો આવો કોઈ ઠરાવ નથી કે નીચા ભાવે ટેન્ડર રદ કરવા. સાંસદે ભારપૂર્વક જણાવ્યું કે કામની ગુણવત્તા જાળવવાની જવાબદારી અધિકારીઓની છે, પરંતુ તેઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લામાં 2025-26 માટે મનરેગા યોજનાના ટેન્ડર પૂર્ણ થઈ ગયા છે. આ જ મુદ્દે તાજેતરમાં દાહોદ અને ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં કેટલાક નેતાઓ અને તેમના સગા-સંબંધીઓની સંડોવણી સામે આવી હતી અને તેમની ધરપકડ પણ થઈ હતી. આવા સંજોગોમાં નર્મદામાં પણ ટેન્ડર પ્રક્રિયા મુદ્દે આ રાજકીય વિરોધાભાસ સામે આવતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
Reporter : દીપક જગતાપ, રાજપીપલા

