ARTICLE : રાખડી-ભાઈ બહેનના સ્નેહનું પ્રતીક.

0
97
meetarticle

આપણાં સમાજમાં રક્ષાબંધનના પર્વનો અનેરો મહિમા છે.કારણકે એકજ ઘરમાં અને માતાપિતાની છત્રછાયામાં ઉછરેલા ભાઈઓ તથા બહેનો વખત જતાં નોંખા પડી જાય છે.બહેનો ઉંમરલાયક થતાં પરણીને સાસરે જાય છે અને ભાઈઓ કામ ધંધો કરવા લાગે છે.એક ઘરમાં સાથે રમેલાં અને ઉછરેલાં ભાઈઓ તથા બહેનો વચ્ચે વિશેષ અને અતૂટ નાતો બંધાઈ જાય છે. બહેન પરણીને સાસરે ગઈ હોવાથી ભાઈ બહેનનું એકબીજાને મળવું ઓછું થઈ જાય છે અને ભાઈ અને બહેનનો સંબંધ અને પ્રેમ અતૂટ અને કાયમ રહે, એ હેતૂથી જ રક્ષાબંધનનું પર્વ સદીઓથી મનાવવામાં આવે છે.

રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના હાથે રાખડી બાંધી ભાઈના જીવનની મંગલ કામના તથા દીર્ઘાયુષની પ્રાર્થના કરે છે.બહેન ભાઈના ભાલમાં કુમકુમનું તિલક કરે છે અને ભાઈનું મોંઢું મીઠું કરાવે છે. તો સામે પક્ષે ભાઈ પણ પોતાની બહેનની પડખે ઉભા રહેવાનું, મદદ કરવાનું તથા રાખડીની લાજ નિભાવવાનું વચન આપે છે અને બહેનને યથાશક્તિ ભેટ કે વીરપસલી આપે છે.રાખડી એ એક સૂતરનો તાર કે ધાગો નથી, પરંતુ, ભાઈ બહેનના સ્નેહનું પ્રતીક છે તથા પવિત્ર બંધન છે તથા બહેનનો ભાઈ પ્રત્યેનો અનન્ય પ્રેમ અને વિશ્વાસ છે. એક પુરાણી ફિલ્મમાં એક ગીત લખાયું છે કે ” ઈસે સમજો ના સૂતર કા તાર ભૈયા, મેરી રાખી કા મતલબ હૈ, પ્યાર ભૈયા”. પોતાની બહેન ગમે ત્યાં રહેતી હોય, પરંતુ, રક્ષાબંધનના દિવસે પોતાના વીરાને રાખડી બાંધવા જરૂરથી આવે છે અને ક્યારેક સંજોગોવશાત આવી શકાય એમ ન હોય તો પોસ્ટ કે કુરિયર દ્વારા અથવા કોઈ સગાં સંબંધી મારફત રાખડી મોકલી પોતાની ફરજ અદા કરે છે.આમ તો રાખડી એ સૂતરનો તાર કે ધાગો જ છે,પરંતુ એનું મૂલ્ય અણમોલ છે અને બહેનનો ભાઈ પ્રત્યેનો સ્નેહ,લાગણી અને વિશ્વાસ છે. રાખડી અંગેના હિંદી તથા ગુજરાતી ફિલ્મોમાં એક એકથી ચડિયાતા ગીતો આપણાં ગીતકારોએ આપ્યાં છે.

બંધા હુઆ હૈ એક ધાગે મેં ભાઈ બહેન કા પ્યાર, રાખી ધાગો કા ત્યોહાર.

બહેનાને ભાઈ કી કલાઈ સે પ્યાર બાંધા હૈ, રેશમ કી ડોર સે સંસાર બાંધા હૈ.

ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના, ભૈયા મેરે છોટી બહેન કો ના ભુલાના.

ચંદા રે મેરે ભૈયા સે કહેના, બહેના યાદ કરે.

રાખી કી લાજ નિભાને કો મેરે રાજા ભૈયા જલ્દી આના.

કહેવાય છે કે દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને રાખડી બાંધી હતી તો કુંતા માતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી અને મહાભારતના યુદ્ધમાં વિજયની કામના કરી હતી. રાણી કર્માવતીએ પોતાના શીલની રક્ષાને માટે મોગલ બાદશાહ હૂમાયુંને રાખડી મોકલાવી હતી. રુક્મિણીજીએ પણ પોતાના ભાઈ રુકમીને રાખડી બાંધી હતી.આમ આપણાં ઈતિહાસ, પુરાણો તથા શાસ્ત્રોમાં પણ રાખડીનું વિશેષ મહત્વ સમજાવેલ છે.

રાખડીનો મહિમા યુગો પુરાણો છે અને જ્યાં સુધી પૃથ્વી જીવંત છે ત્યાં સુધી, ભાઈ બહેનનો પવિત્ર સ્નેહ અતૂટ રહેશે અને બહેનોના વીરાને રાખડી બંધાતી રહેશે.

રક્ષાબંધનને બળેવ તથા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે.બળેવના દિવસે બ્રાહ્મણો સમૂહમાં એકઠાં થઈ, નદી કિનારે સ્નાન કરી, પૂજા, અર્ચના તથા ગાયત્રી મંત્રોચ્ચાર સાથે, સૂર્યદેવની સાક્ષીમાં જૂનું યજ્ઞોપવિત કાઢી નવું યજ્ઞોપવિત ધારણ કરે છે અને બ્રહ્મભોજન કરી બધાં છૂટાં પડે છે. તો બીજી તરફ સાગરખેડૂઓ પોતાની નાવ દરિયા કિનારે લાંગરી, સાગરમાં કંકુ અને શ્રીફળ સાગરને અર્પણ કરીને સાગરદેવની પૂજા કરે છે. આમ રક્ષાબંધનનું પર્વ અનેરું અને મહત્વનું સ્થાન ધરાવે છે અને લોકો આ પર્વને હર્ષોલ્લાસથી ઉજવે છે.

યોગેશભાઈ આર જોશી
સીનીયર સીટીઝન તથા કવિ/લેખક
હાલોલ:૩૮૯૩૫૦, જિ.પંચમહાલ.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here