2 સપ્ટેમ્બરના રોજ વિશ્વ નાળિયેર દિવસ ઉજવાય છે.ભારતીય સંસ્કૃતિમાં નાળિયેરને શ્રીફળનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. આ કલ્પવૃક્ષ સમાન ફળ મનુષ્યના સ્વાસ્થ્ય વર્ધનમાં અનેક રીતે આશિર્વાદરૂપ બને છે. તે માત્ર શક્તિવર્ધક પીણું કે શુભ પ્રસંગોમાં પ્રસાદ નથી બની રહ્યું, તેની સતત મૂલ્ય-વૃદ્ધિ થઈ રહી છે. નાળિયેરની મૂલ્યવૃદ્ધિ કરી તેમાંથી તેલ, વર્જિન કોકોનટ ઓઈલ, નાળિયેરનું દૂધ, કોકોનટ કુકી, કોકોનટ બરફી, વિનેગર, ફ્લેક્સ, ચિપ્સ, ઓઈલ કેક અને નીરા વગેરે બનાવી શકાય છે.
હિંદુ ધર્મમાં નારિયેળને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેનો ઉપયોગ પૂજા, વિશેષ અનુષ્ઠાન અને શુભ કાર્યોમાં થાય છે. નવા કાર્યની શરૂઆત હોય, લગ્ન હોય, તીજ-ઉત્સવ હોય કે પૂજા-ઉપવાસ, બધામાં નારિયેળનું મહત્વ છે. નારિયેળ માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ નહીં પણ આર્થિક અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ વિશેષ મહત્વ ધરાવે છે. એશિયન પેસિફિક કોકોનટ કોમ્યુનિટી (APCC) ની રચનાની યાદમાં દર વર્ષે 02 સપ્ટેમ્બરને વિશ્વ નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
શ્રીફળના નામમાં તેનો અર્થ પણ છુપાયેલો છે. શ્રી એટલે ભગવાન, અને શ્રીફળ એટલે ભગવાનનું ફળ. એટલાં જ માટે દરેક શુભ કામની શરૂઆત પુજા-અર્ચના વખતે શ્રીફળની જરૂર પડતી હોય છે. ભારતમાં દેવી દેવતાઓની મૂર્તિ સામે નારિયેળ ફોડવાનો ખૂબ જૂનો રિવાજ છે. હિંદુ ધર્મના મોટાભાગના ધાર્મિક સંસ્કારોમાં નારિયેળનું વિશેષ મહત્વ છે. કોઇપણ વ્યક્તિ જ્યારે પોતાનો નવો વ્યવસાય શરૂ કરે છે તો તે મૂર્તિ સામે નારિયેળ ફોડે છે. ભલે તે લગ્ન હોય, તહેવાર હોય કે પછી કોઇ મહત્વપૂર્ણ પૂજા.ત્યારે જાણો હિન્દુ ધર્મમાં નારિયેળનું શું મહત્વ છે.
નારિયેળનું ધાર્મિક મહત્વ:
ભારતીય ધાર્મિક સંસ્કૃતિમાં નારિયેળનું વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં તેને ‘શ્રીફળ’ પણ કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં પૂજા સમયે નારિયેળ ચઢાવવાની કે તોડવાની માન્યતા છે. તે પૂજા સામગ્રી તરીકે સામેલ છે. પૌરાણિક માન્યતા અનુસાર, જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર અવતર્યા ત્યારે તેઓ માતા લક્ષ્મી અને કામધેનુ ગાય સાથે નારિયેળ લઈને આવ્યા હતા. એટલા માટે નારિયેળના વૃક્ષને ‘કલ્પવૃક્ષ’ કહેવામાં આવે છે. કહેવાય છે કે નાળિયેરમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિમૂર્તિનો વાસ છે.
નારિયેળને સંસ્કૃતમાં શ્રીફળ કહેવામાં આવે છે જેનો અર્થ ભગવાનનું ફળ થાય છે. તે ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે જે વિધ્નો દૂર કરે છે.નારિયેળ પૂજા દરમિયાન પણ ભગવાનને અર્પણ કરવાની માન્યતા છે. જ્યારે તેને બે ભાગમાં તોડવામાં આવે છે, ત્યારે તે અહંકાર તોડવા અને ભગવાનને પોતાને સમર્પિત કરવાનું પ્રતીક માનવામાં આવે છે.
ધાર્મિક મહત્વ આ સાથે એવી પણ માન્યતા છે કે કોઈપણ ધાર્મિક વિધિ પહેલાં નાળિયેર ફોડવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ભગવાન તરફથી આશીર્વાદ મળે છે. નારિયેળ પાણીને પવિત્ર જળ માનવામાં આવે છે જે અશુભ શુકન અને ઉર્જા દૂર કરવા માટે ઘરોમાં છાંટવામાં આવે છે. આ ઉપરાંત પૂજા દરમિયાન ભગવાનને નાળિયેર પાણીથી સ્નાન પણ કરાવવામાં આવે છે.
એક સમય હતો જ્યારે હિન્દુ ધર્મમાં દેવી-દેવતાના પશુની બલી ચડાવવી સામાન્ય માનવામાં આવતું હતું પરતું આદિ શંકરાચાર્યએ પશુના બદલે શ્રીફળ વધેરવાની પ્રથા શરૂ કરી.નારિયેળને મનુષ્યની મસ્તિકા સાથે સરખાવવામાં આવે છે.નારિયેળના છોતરાને મનુષ્યના વાળ સાથે તો કઠોર કવચની તુલા માણની ખોપડી સાથે અને નારિયેળના પાણીની તુલના માણસના લોહી સાથે કરવામાં આવે છે.
હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર નારિયેળને ત્રણ મુખ્ય દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું પ્રતીક માનવામાં આવે છે. જે સર્જન, પોષણ અને વિનાશનું પ્રતિનિધિત્વ કરે છે. પુરાણોમાં નારિયેળને ભગવાન શિવને અર્પણ કરનાર તરીકે એક પવિત્ર ભેટ ગણાવી છે, કારણ કે તેનું પ્રતીકાત્મક સ્વરૂપ શુદ્ધતા, પ્રજનન ક્ષમતા અને જીવનના પાલનપોષણનું પ્રતીક માનવામાં આવે છે.





