રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગ કરનાર યુપીના બે શાર્પ શુટરો સહિત ૪ ની રૂરલ પોલીસે મુંબઇ અને આગ્રાથી ઝડપી લઇ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

દરમિયાન ફાયરીંગ કરી નાસી છુટેલ આરોપીઓને ઝડપી લેવા રૂરલ એસપી હિમકરસિંહ તથા ગોંડલના ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ પોલીસની ટીમોએ ફાયરીંગ પ્રકરણમાં સંડોવાયેલ ઇરફાન ઉર્ફે સીપા મહમદ રૈયસ કુરેશી રહે. અમદાવાદ દાણીલીમડા, પાંચ પીપળાની દરગાહ, આબાદ નગરના છાપરા, દાણીલીમડા પોલીસ લાઇન સામે, રહે. મુળ બરેલી મટકી(યુપી)ને મુંબઇથી અને અન્ય ત્રણ આરોપીઓ અભિષેકકુમાર પવનકુમાર જીંદલ-અગ્રવાલ તથા તેના ભાઇ પ્રાંસુકુમાર પવનકુમાર જીંદલ (રહે. મૂળ નવી પોસ્ટ ઓફીસ, સુરજગંજ, સાદાબાગ, જીલ્લો હાથરસ, રહે. આગ્રા, સેકટર-પ, આવાસ વિકાસ કોલોની,) અને વીપીનકુમાર વિરેન્દ્રસિંહ જાટ રહે. નગલાકલી (સદાબાગ) મદકભોજ, જી. હાથરસ, (યુપી)ને આગ્રાથી દબોચી લઇ ધરપકડ કરી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મુખ્ય સુત્રધાર હાર્દિકસિંહ જાડેજાએ ફાયરીંગ કરનાર વીપીનકુમારને ફાયરીંગ બદલ પાંચ લાખ રૂપીયા આપવાની તથા તેમજ અભિષેક જીંદલ અને પ્રાંસુ જીંદલને ફાયરીંગ કરવા બદલ બે લાખ રૂપીયા આપવાની વાત કરી હતી અને ફાયરીંગ કર્યા બાદ હાર્દિકસિંહે એક પણ રૂપીયો આપ્યો ન હતો. જો કે પકડાયેલ ઉકત આરોપીઓ રીબડા આવવા માટે ૧પ થી ર૦ હજાર રૂપીયાનો ખર્ચો કર્યો હતો.
રીબડાના પેટ્રોલ પંપ ઉપર વીપીનકુમાર જાટે ફાયરીંગ કર્યુ હતું અને તેની સાથે આવેલા ઇરફાન સાથે બાઇકમાં નાસી છુટયો હતો. અન્ય આરોપી અભિષેક વીપીનને રાજકોટ મુકવા આવ્યો હતો. જયારે પ્રાંસુએ પણ મદદગારી કરી હતી.
પકડાયેલ શાર્પ શુટર સહિત ઉકત ચારેયને ૧૦ દિ’ની રીમાન્ડની માંગણી સાથે આજે બપોર બાદ કોર્ટમાં રજુ કરાશે તેમ તપાસની અધિકારી ગોંડલ તાલુકાના પીઆઇ એ.ડી.પરમારે જણાવ્યું હતું.

