વડોદરા શહેરની મધ્યમાં ઐતિહાસિક માંડવી ગેટના સેન્ટ્રલ પિલરને જે નુકસાન થયું છે, તેનું તાત્કાલિક ધોરણે રિસ્ટોરેશનનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. હજુ બે દિવસ પહેલા જ હેરિટેજ એક્સપર્ટ અને અધિકારીઓની ટીમ સાથે મ્યુનિસિપલ કમિશનરે માંડવીની મુલાકાત લઈ અને કહ્યું હતું કે પિલરમાં વધુ ડેમેજ ન થાય તે માટે તાત્કાલિક ધોરણે રિસ્ટોરેશનની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે.
હાલમાં સેન્ટ્રલ પિલરની ફરતે પ્લેટ મારી લાઈમ કોન્ક્રીટની કામગીરી કરવામાં આવશે. જેથી કરીને ડેમેજ થયેલા પિલરને મજબૂતાઈ આપી શકાય. અંદરનું જે જુના સમયનું મટીરીયલ છે તેને ધ્યાનમાં રાખીને જ લાઇમ કોન્ક્રીટની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે પિલરના રીનોવેશન સહિતની કામગીરી માટે હાલ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ટેન્ડરિંગની પ્રક્રિયા આખરી તબક્કામાં છે, અને એકાદ મહિનામાં ઈમારતનું સમારકામ શરૂ કરી દેવા અગાઉ સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ કહ્યું હતું. માંડવીની આ ઈમારતમાં તિરાડો દેખાય અને છ મહિના થઈ ગયા છે, પરંતુ હજુ સુધી પાકુ સમારકામ શરૂ થઈ શક્યું નથી. માંડવી બાદ ન્યાય મંદિર અને લાલ કોર્ટની કામગીરી હાથ પર લેવાશે, તેમ જાણવા મળ્યું છે. આ ઐતિહાસિક બિલ્ડીંગોને આડેધડ પાર્કિંગના કારણે વધુ ડેમેજ થાય છે. લોકો ત્યાં દીવાલ ફરતે લઘુશંકા કરતાં પણ નજરે પડે છે. આ બધું બંધ કરાવવા માટે બેરીકેડ અને બુલ બેરિયર્સ મૂકવામાં આવશે.


