અમેરિકામાં ખતરનાક ભૂકંપ ત્રાટકે એવી શક્યતા છે. આ વર્ષે બે મોટા ભૂકંપ ત્રાટકી ચૂક્યા છે. એક ભૂકંપ માર્ચ મહિનામાં મ્યાંમારમાં આવ્યો હતો, જેમાં હજારો લોકોનાં મોત થયા હતા. એવો જ ભૂકંપ રશિયામાં આવ્યો. તેની અસર છેક અમેરિકા-જાપાન સુધી થઈ હતી. હવે એવો જ મહા વિનાશક ભૂકંપ ટૂંક સમયમાં ખાબકે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. સંશોધકોએ ભયાનક ભૂકંપની ચેતવણી આપી છે.
અમેરિકાની કેલ્ટેક યુનિવર્સિટીના ભૂસ્તરવિજ્ઞાાનીઓએ પૃથ્વીના પેટાળમાં થતી હિલચાલનો અભ્યાસ કરીને ચેતવણી આપી હતી કે અમેરિકાના પશ્વિમી કાંઠે ગમે તે ઘડીએ મહાઘાતક ભૂકંપ ત્રાટકી શકે છે. એની તીવ્રતા ૭.૭ રિક્ટર સ્કેલ હોઈ શકે છે અને તેનાથી પશ્વિમના રાજ્યોમાં ભારે ખાનાખરાબીનું જોખમ છે. આ વર્ષે માર્ચમાં મ્યાંમારમાં ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો એમાં હજારો લોકોનાં મોત થયા હતા અને અનેક લોકો ઈજા પામ્યા હતા. અમુક લોકો હજુય લાપતા છે. એ ભૂકંપ થવા પાછળનું કારણ હતું સેગોંગ ફોલ્ટમાં થતી હિલચાલ. પૃથ્વીના પેટાળમાં ટેકટોનિક પ્લેટ્સના સંદર્ભમાં આવેલી રેખાઓ કે તીરાડોને ભૂસ્તરશાસ્ત્રની ભાષામાં ફોલ્ટ કહેવામાં આવે છે. દુનિયામાં આવી ઘણી રેખાઓ આવેલી છે. પૃથ્વીની જુદી જુદી પ્લેટ્સ એ રેખાઓના માધ્યમથી ખસે છે. એકબીજાની નજીક આવે છે અથવા દૂર જાય છે. એ ઘટના બને ત્યારે સપાટી પર ઘમાસાણ મચી જાય છે.
એવું જ ઘમાસાણ સાન એન્ડ્રીઆસ ફોલ્ટમાં મચી રહ્યું છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના પેટાળમાં આવેલી આ પ્લેટ્સમાં મોટાપાયે હિલચાલ થઈ રહી છે. તેના કારણે આગામી સમયમાં ગમે ત્યારે ૭.૭ કે એનાથી પણ વધારે ખતરનાક ભૂકંપ ત્રાટકી શકે છે. તેનાથી અમેરિકાને મોટું આર્થિક નુકસાન થઈ શકે અને જાન-માલની હાનિ પણ થવાની શક્યતા છે. સંશોધકો કહે છે કે મ્યાંમારના ભૂકંપ પાછળ સેગોંગ ફોલ્ટ જવાબદાર હતી. એમાં જે હિલચાલ થઈ છે તેની સીધી અસર સાન એન્ડ્રીયાસ ફોલ્ટમાં પણ થશે જ. કારણ કે બંનેમાં ઘણી સમાનતા છે.
કેલ્ટેક યુનિવર્સિટીના ભૂસ્તર વિજ્ઞાાનીઓએ સેટેલાઈટ ઈમેજનો વિગતવાર અભ્યાસ કરીને આ અહેવાલ આપ્યો છે. મ્યાંમારમાં તીરાડથી ૩૦૦ કિલોમીટર દૂર ભૂકંપ ત્રાટક્યો હતો. સાન એન્ડ્રીઆસથી પણ જો આટલું જ અંતર હોય તો એનાથી ઘણાં ગીચ શહેરોમાં નુકસાન થઈ શકે.
સાન એન્ડ્રીઆસમાં 186 વર્ષ પહેલાં વિનાશક ભૂકંપ આવ્યો હતો
૧૮૩૯ પછી આ પ્લેટની આસપાસ બહુ મોટો ભૂકંપ ત્રાટક્યો નથી, પરંતુ અત્યારે જે હિલચાલ શરૂ થઈ છે તેને સંશોધકોએ ગંભીર બાબત ગણાવી હતી. ભૂકંપની વ્યાખ્યામાં જેને ધ બિગ વન કહેવાય છે એવા ભૂકંપમાં ૧૮૫૭માં અને ૧૯૦૬માં ૭.૯ની તીવ્રતાના ભૂકંપ ત્રાટક્યા હતા. આ ટેકટોનિક પ્લેટ કે જે કેનેડા સુધી ફેલાયેલી છે ત્યાં અત્યાર સુધીમાં ૪૩ મોટા ભૂકંપ આવી ચૂક્યા છે, પરંતુ સવા સો વર્ષમાં એવડો મોટો ભૂકંપ આવ્યો નથી.


