રાજકોટમાં રસ્તા રિપેર થઈ ગયાના દાવાઓ વચ્ચે કોઈ વોર્ડ માટે વોર્ડ ઓફિસર કે વોર્ડ એન્જિનિયર સહિતની જવાબદારી ફીક્સ કરાતી નહીં હોવાથી હજુ પણ અનેક માર્ગો ભંગાર છે અને ખુદ મહાપાલિકાની હેડ ઓફિસની સામે જ રસ્તા પર તોતિંગ ગાબડાં પડેલા નજરે પડયા હતા. રસ્તા હજુ રિપેર નથી કરાતા અથવા કહેવાપુરતી મરમ્મત થયાનું પ્રતીત થયું હતુ.શહેરમાં અનેક સ્થળે મરમ્મત પછી પણ રસ્તા ભંગાર રહ્યાની ફરિયાદો ઉઠી છે.
શહેરમાં આજે વરસાદી ઝાપટું વરસી જતા 8 મિ.મિ.વરસાદ નોંધાયો હતો અને આટલા વરસાદે પણ માર્ગો પર પાણી ભરાયેલા નજરે પડયા હતા. કાલાવડ રોડ જેવા મુખ્યમાર્ગો પર રિપેરીંગ કરાયાના દાવા પછી પણ હાલ રસ્તો જર્જરિત છે. ચોમાસા પહેલા ખોદકામ કરીને રસ્તા સમથળ કરવાને બદલે બેદરકારી દાખવાય છે અને ચોમાસા દરમિયાન રસ્તાના ડામરકામ થઈ ન શકે તેવી દલીલો કરીને લોકોને સતત રસ્તાનો ત્રાસ સહેવો પડે છે.
મનપાના વાંકે ભંગાર રસ્તા અને પોલીસના વાંકે ટ્રાફિક સમસ્યા એ રાજકોટના માથાના દુખાવારૃપ પ્રશ્નો ઉકેલવાના નામ પર ઓફિસમાં બેઠા બેઠા ઉચ્ચ અફ્સરો વાતોના વડાં કરે છે પરંતુ, સ્થળ પર ટુ વ્હીલર પર નીકળે તો સમસ્યા કેટલી ગંભીર છે તેનો અહેસાસ થાય. ગંભીર વાત એ બહાર આવી છે કે કોઈ લત્તામાં જો લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન ન કરે તો ભંગાર રસ્તા જેવા પ્રશ્નો પર ધ્યાન જ નથી અપાતું.


