ગાંધીનગરમાં બેફામ અને બેજવાબદાર વાહનચાલકો પર અંકુશ લાવવા માટે ગાંધીનગર રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ એટલે કે, આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જીવલેણ અકસ્માતો સર્જનારા,હીટ એન્ડ રનના કિસ્સામાં, દારૃ પીને વાહન ચલાવનારા, અતિશય ઝડપથી વાહન હંકારનારા અને વારંવાર ટ્રાફિક-આરટીઓના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવામાં આવ્યા છે.છેલ્લા પાંચ વર્ષમાં ૫૧૦ વાહનચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે.
ગાંધીનગર આરટીઓ દ્વારા વર્ષવાર સસ્પેન્ડ થયેલા લાઇસન્સનો આંકડો ચોંકાવનારો છે. વર્ષ ૨૦૨૧માં કુલ ૧૭૬ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના કેસ ગંભીર ટ્રાફિક નિયમ ભંગના હતા. આ આંકડો વર્ષ ૨૦૨૨માં વધીને ૧૭૨ થયો, જે દર્શાવે છે કે બેફામ ડ્રાઇવિંગની ઘટનાઓ યથાવત રહી હતી. જોકે, વર્ષ ૨૦૨૩માં આ આંકડામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો અને ૮૩ લાઇસન્સ સસ્પેન્ડ થયા હતા.પરંતુ, વર્ષ ૨૦૨૪માં ફરી એકવાર આ આંકડો વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. આ વર્ષે કુલ ૨૨૩ લાઇસન્સ સસ્પેન્ડ થયા હતા. વર્ષ ૨૦૨૫ના જુલાઈ મહિના સુધીમાં ૩૩ લાઇસન્સ સસ્પેન્ડ થયા છે.
આ સસ્પેન્શનની કાર્યવાહી પાછળનો મુખ્ય હેતુ દંડ વસૂલવાનો નહીં, પરંતુ વાહન ચાલકોમાં જવાબદારીની ભાવના કેળવવાનો છે. જ્યારે કોઈ વાહન ચાલકનું લાઇસન્સ સસ્પેન્ડ થાય છે, ત્યારે તેમને ટ્રાફિક નિયમોનું પાલન કરવું કેટલું મહત્ત્વનું છે તેનો અહેસાસ થાય છે. લાઇસન્સ સસ્પેન્ડ થવાથી તે સમયગાળા દરમિયાન વાહન ચલાવી શકાતું નથી, જે વાહન ચાલકને નિયમ પાળવા માટે મજબૂર કરે છે. ગાંધીનગર આરટીઓની આ કડક કાર્યવાહી શહેરીજનો માટે એક ચેતવણીરૃપ છે. જો નાગરિકો પોતે ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરે તો ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. આ પગલાથી ભવિષ્યમાં રોડ અકસ્માતોમાં ઘટાડો થશે અને ગાંધીનગરના રસ્તાઓ વધુ સુરક્ષિત બનશે તેવી આશા છે.


