સાબરકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં એક એવી ઘટના બની છે, જે સાંભળીને કોઈપણનું કાળજું કંપી ઉઠે. ખેતરમાં કામ કરી રહેલી એક 17 વર્ષની સગીરાનું થ્રેસર મશીનમાં ફસાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે સગીરાનું માથું ધડથી અલગ થઈ ગયું હતું, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટના મળતી માહિતી અનુસાર, ગુજરાત-રાજસ્થાન સરહદ પાસે આવેલા કોટાડા વિસ્તારમાં એક શ્રમિક પરિવાર ખેતરમાં ઘઉં કાપણીનું કામ કરી રહ્યો હતો. આ પરિવારની દીકરી હીના (ઉંમર 17 વર્ષ), જે ધોરણ 11માં અભ્યાસ કરતી હતી, તે પણ ખેતરમાં પૂળા નાખવામાં મદદ કરી રહી હતી. ખેતરમાં ઘઉંના પૂળા થ્રેસરમાં નાખતી વખતે અચાનક હીનાનો દુપટ્ટો મશીનના ફરતા પટ્ટામાં ખેંચાઈ ગયો હતો.

દુપટ્ટો ખેંચાતાની સાથે જ સેકન્ડોના ભાગમાં હીનાનું માથું પણ મશીનની અંદર આવી ગયું હતું. મશીનની ગતિ એટલી તેજ હતી કે જોતજોતામાં દીકરીનું માથું ધડથી અલગ થઈ ગયું અને તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોતાની નજર સામે જ વ્હાલસોયી દીકરીનો આવો અંત જોઈ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આ ઘટના ખેતીકામ કરતા શ્રમિકો અને ખેડૂતો માટે લાલબત્તી સમાન છે. ખાસ કરીને બહેનો અને દીકરીઓએ ખેતીના મશીનો (થ્રેસર, કટર) પાસે કામ કરતી વખતે દુપટ્ટો, સાડી કે ઢીલા કપડાં બાબતે અત્યંત સાવધ રહેવું જોઈએ. નાનકડી ચૂંક જીવનભરનું સંતાપ આપી શકે છે. હાલમાં આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
