હિન્દુ ધર્મ સેના-ગુજરાત દ્વારા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત ‘સમરસ કાવડ યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસના પવિત્ર અવસરે ભક્તોમાં આધ્યાત્મિક આનંદ અને એકતાનો સંદેશ પ્રસારિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ યાત્રા 10 ઓગસ્ટ, 2025 ના રોજ ભરૂચના પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે.
આ યાત્રામાં 108 કાવડિયાઓની ટીમ જોડાશે અને બે દિવસની આ યાત્રા કાવી કંબોઈ ખાતે આવેલા પ્રાચીન સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે. ત્યાં નર્મદા નદીના પવિત્ર જળથી ભગવાન મહાદેવનો જળાભિષેક કરવામાં આવશે.
હિન્દુ ધર્મ સેના-ગુજરાતના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગસિંહ વાંસિયાએ જણાવ્યું કે યાત્રા દરમિયાન ભક્તોની સુવિધા માટે 25 સ્વયંસેવકોની ટીમ, એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે ભરૂચ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તોને આ યાત્રામાં જોડાઈને પુણ્યનું ભાથું બાંધવા આહ્વાન કર્યું છે.
આ આયોજનને સફળ બનાવવા માટે હિન્દુ ધર્મ સેનાના આગેવાનો સુધીરસિંહ અટોદરિયા, ઝીણા ભરવાડ, વિરલ ગોહિલ, જીતુ રાણા અને રાહુલ વસાવા સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


