પેરિસમાં રમાઈ રહેલી વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં ભારતની સ્ટાર બેડમિન્ટન જોડી એટલે સાત્વિક-ચિરાગની જોડીએ પેરિસમાં તેમની રમતનો પરચો દેખાડી દીધો છે. સાત્વિક-ચિરાગની જોડીએ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરી સેમિફાઇનલમાં સ્થાન મેળવીને ઇતિહાસ રચી દીધો છે.
પેરિસમાં સાત્વિક-ચિરાગનો ઇતિહાસ
હાલ પેરિસમાં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ચાલી રહી છે, અને ભારતના બેડમિન્ટન રમતના બે બંકાઓ વિદેશમાં તરખાટ મચાવી રહ્યા છે. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતના સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ શાનદાર રમતનું પ્રદર્શન કરીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચમાં મેળવેલ જીત બંને ખેલાડીઓ માટે અને સમગ્ર દેશના બેડમિન્ટન રમતના પ્રેમીઓ માટે ખુબજ મહત્વની હતી, કેમ કે 3 વર્ષ પછી ભારત માટે એક મેડલ નિશ્ચિત થયો છે.
સાત્વિક-ચિરાગની જોડીએ કમાલ કરી
પેરિસમાં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પુરુષોની ડબલ્સ મેચમાં ભારતીય ટીમના આ બંને સ્ટાર ખેલાડીઓની ટક્કર મલેશિયન જોડી સામે થઈ હતી. સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી સામે કોર્ટમાં એરોન ચિયા અને સોહ વૂઈ યિકને ખૂબ સારી ટક્કર આપી હતી, જોકે અંતમાં સાત્વિક-ચિરાગની જોડીએ કમાલ કરી દેખાડી. આ જોડીએ મલેશિયન જોડી એરોન ચિયા અને સોહ વૂઈ યિકને 21-12, 21-19 થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો અને સાથે સાથે 2022 માં વર્લ્ડ ચેમ્પિયનશિપના સેમિફાઇનલમાં આ જોડીની મલેશિયન જોડી સામે જે હાર થઈ હતી એનો હિસાબ પણ ચૂકતે કરી લીધો.
પીવી સિંધુની સફરનો અંત
સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ પુરુષોની ડબલ્સ મેચમાં ભારતને ચોક્કસથી ખુશીના સમાચાર આપ્યા પરંતુ દેશની દીકરી પીવી સિંધુ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ સાબિત થઈ હતી. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં સિંધુને ઇન્ડોનેશિયાની પુત્રી કુસુમા વર્દાની સામે મુશ્કેલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને આ સાથે છઠ્ઠી વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મેડલ જીતવાનું પીવી સિંધુનું સફરના અંત સાથે સમાપ્ત થઈ ગયું હતું.