અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલા કડકિયા કોલેજ પાસે બિસ્માર રસ્તાને કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રસ્તા પરના મોટા ખાડામાં થ્રી-વ્હીલર ટેમ્પોનું ટાયર ફસાઈ જતાં ટેમ્પો પલટી ગયો હતો, જેનાથી બાજુમાંથી પસાર થઈ રહેલા બાઈક પર ટેમ્પો પડતાં બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
અકસ્માત બાદ, ઘાયલ બાઈક ચાલકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે હાજર સ્થાનિકોએ જણાવ્યું કે કડકિયા કોલેજથી એશિયાડ નગર સુધીનો આ માર્ગ અત્યંત જર્જરિત હાલતમાં છે. રસ્તા પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડ્યા છે, જેના કારણે આ માર્ગ વાહનચાલકો માટે જોખમી બની ગયો છે. આ વિસ્તારમાં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે.
સ્થાનિક રહીશોએ તંત્રની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક આ માર્ગનું સમારકામ કરવાની માગણી કરી છે. લોકોએ જણાવ્યું કે જો સત્વરે આ રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં આવા વધુ ગંભીર અકસ્માતો થવાની શક્યતા છે અને નિર્દોષ વાહનચાલકોના જીવ જોખમમાં મુકાશે. સ્થાનિકોએ વહેલી તકે તંત્ર દ્વારા આ સમસ્યાનું નિવારણ લાવવા અપીલ કરી છે.


