શ્રાવણ માસ દરમિયાન આવતી શીતળા સાતમની ભરૂચના વિવિધ મંદિરોમાં આસ્થા અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પર્વ નિમિત્તે બહેનોએ શીતળા માતાનું વ્રત કરીને ઠંડુ ભોજન ગ્રહણ કર્યું હતું અને ચૂલા કે સગડી પ્રગટાવ્યા ન હતા.
આ વ્રત કરનારી સ્ત્રીઓએ સવારે વહેલા ઊઠીને ઠંડા પાણીથી સ્નાન કરી શીતળા માતાની પૂજા કરી હતી. રાંધણ છઠના દિવસે બનાવેલું ઠંડું ભોજન શીતળા માતાને ધરાવી સૌભાગ્યવતી સ્ત્રીઓએ બાળકોના આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી. આ દિવસે બહેનોએ ચૂલા, સગડી અને ગેસની પૂજા કરી અગ્નિદેવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
શીતળા સાતમના દિવસે ખાસ કરીને બાળકોને શીતળાથી થતા રોગોથી બચાવવા માટે માતાઓ ખોળો પાથરીને પ્રાર્થના કરે છે. આ વ્રત પાછળનો મુખ્ય સંદેશ સ્વચ્છતા અને સુઘડતાનો છે, કારણ કે સ્વચ્છતા જાળવવાથી રોગોથી બચી શકાય છે. આ દિવસે શીતળા માતાની પૂજામાં સાવરણી અને સૂપડા જેવા સ્વચ્છતાના પ્રતીકોનો પણ સમાવેશ થાય છે.
ભરૂચના મંદિરોમાં શીતળા માતાના મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ વ્રતને “વૈધવ્યનાશન” વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં વ્રત કરનારી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યની કામના કરે છે.
આ પવિત્ર દિવસે ધાર્મિક વિધિઓ, કથા-વાર્તાઓ અને ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું. શીતળા સાતમના આ પર્વે ભક્તોમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


