દેશભરના મંદિરોમાં શનિવારે રાત્રે જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો. પણ રાજસ્થાનમાં એક દરગાહમાં પણ લડ્ડુ ગોપાલનો જન્મોત્સવ ઉજવાયો, આ જાણીને તમને કદાચ નવાઈ લાગશે, પણ રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લામાં આવું સદીઓથી થતું આવ્યું છે. ઝુંઝુનૂના નરહડમાં દર વર્ષની જેમ આ વખતે પણ હિન્દુઓ અને મુસલમાનોએ એકસાથે દરગાહમાં ‘જય કનૈયા લાલ કી…’ ના જયઘોષ કર્યા.
દેશ-વિદેશના હજારો ભક્તો આ ખાસ ઉત્સવ જોવા અહીં પહોંચે છે
શરીફ હઝરત હજીબ શકરબારની 14મી સદીની આ દરગાહ સદીઓથી હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક છે. દરગાહના ખાદિમ કરીમ પીર જણાવે છે કે, જન્માષ્ટમીએ હિન્દુ ભક્તો શોભાયાત્રા કાઢે છે અને મુસ્લિમ સમુદાયના લોકો ફૂલોથી તેમનું સ્વાગત કરે છે. આ વર્ષે ત્રણ દિવસના કાર્યક્રમની શરૂઆત શુક્રવારે થઈ હતી. આ દરમિયાન દરગાહ પર ભગવાન કૃષ્ણને સમર્પિત ભજન, કીર્તન, કવ્વાલી, નાટક વગેરેનું આયોજન થયું. દેશ-વિદેશના હજારો ભક્તો આ ખાસ ઉત્સવ જોવા અહીં પહોંચે છે.
હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક: નરહડની દરગાહમાં સદીઓથી ઉજવાતી જન્માષ્ટમી
શક્કર બાબાની દરગાહ તરીકે પ્રખ્યાત આ ધાર્મિક સ્થળની ખાસિયત એ છે કે બધા ધર્મના લોકો પોતાની માન્યતા મુજબ દુઆ-પૂજા કરે છે. જૂના સમયમાં એક હિન્દુ પરિવારે અહીં જન્માષ્ટમીની શરૂઆત કરી હતી. ત્યારથી દર વર્ષે તેનું આયોજન થાય છે. આવું અહીં ક્યારથી થાય છે તેની કોઈ ચોક્કસ તારીખ કોઈને ખબર નથી, પણ સ્થાનિક લોકો કહે છે કે તેઓ પોતાના બાપ-દાદાઓ પાસેથી પણ અહીં આવી જ રીતે જન્માષ્ટમી ઉજવાતી હોવાની વાતો સાંભળતા આવ્યા છે.
આ દરગાહ વિશે એવી પણ માન્યતા છે કે જો અહીં આવીને દુઆ કરનારા દંપતીઓની ગોદ સૂની નથી રહેતી. આ વિસ્તારમાં લગ્ન પછી હિન્દુ-મુસ્લિમ બધા સમુદાયના દંપતીઓ અહીં આવીને પૂજા કરે છે. એક બીજી માન્યતા એવી પણ છે કે જ્યારે આ વિસ્તારમાં કોઈ પરિવારમાં ગાય કે ભેંસ બચ્ચાને જન્મ આપે છે, ત્યારે દહીં લાવીને દરગાહ પર ચડાવવામાં આવે છે.


