અંતરિક્ષમાં ભારતનો ત્રિરંગો લહેરાવનાર ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા દેશ પાછા ફર્યા છે. શનિવારે મોડી રાત્રે તેમનું વિમાન દિલ્હીના IGI એરપોર્ટ પર ઉતર્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહ, ઈસરોના વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. શુભાંશુ સાથે તેમનાં પત્ની કામના શુક્લા અને પુત્ર પણ હાજર હતા. શુભાંશુ પીએમ મોદીને પણ મળશે અને પોતાના હોમટાઉન લખનઉ જશે. તેમજ 22-23 ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપશે.
શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં જનારા ભારતના બીજા નાગરિક
શુભાંશુ શુક્લા નાસાના Axiom-4 મિશનના પાઇલટ હતા, જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવ્યું હતું. શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં જનારા ભારતના બીજા નાગરિક છે. તેમના પહેલાં, 1984માં વિંગ કમાન્ડર રાકેશ શર્મા અંતરિક્ષમાં ગયા હતા. આ રીતે, 41 વર્ષ પછી કોઈ ભારતીયએ અંતરિક્ષની ઉડાન ભરી છે. આ મિશન 25 જૂને અમેરિકાના ફ્લોરિડામાં આવેલા નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી લૉન્ચ થયું હતું. શુભાંશુ શુક્લા 15 જુલાઈએ પૃથ્વી પર પાછા ફર્યા હતા અને હવે તેમની વતન વાપસી પર તેમનું સ્વાગત થઈ રહ્યું છે.
મિશન માટે શુભાંશુએ અમેરિકામાં એક વર્ષની સખત ટ્રેનિંગ લીધી હતી
Axiom-4 મિશન માટે શુભાંશુએ અમેરિકામાં એક વર્ષની સખત ટ્રેનિંગ લીધી હતી. 25 જૂન, 2025ના રોજ તેઓ ફ્લોરિડાના કેપ કેનાવરલથી સ્પેસએક્સના ડ્રેગન કૅપ્સ્યુલ દ્વારા અંતરિક્ષયાત્રા માટે રવાના થયા હતા. બીજા દિવસે, એટલે કે 26 જૂને, તેઓ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પહોંચ્યા, જ્યાં તેમની સાથે અમેરિકન અંતરિક્ષયાત્રી પેગી વ્હિટસન, પોલેન્ડના સ્લાવોસ ઉઝનાંસ્કી-વિસ્નીવ્સ્કી અને હંગેરીના ટિબોર કાપુ પણ હતા.


