ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચ સિરીઝની પાંચમી અને અંતિમ મેચ શરૂ થઈ ગઈ છે, જેમાં ભારતીય સુકાની શુભમન ગિલે ઈતિહાસ રચ્યો છે. ગિલે એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન નોંધાવવા મામલે ભારતના પૂર્વ ખેલાડી સુનીલ ગાવસ્કર, વિરાટ કોહલી અને વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડી સર ગેરી સોબર્સનો રેકોર્ડ તોડ્યો છે.
ગિલે વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડીનો તોડ્યો રેકોર્ડ
ગિલે વિદેશમાં કેપ્ટનશીપની ભૂમિકા હેઠળ પણ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. તે સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં કોઈપણ ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન નોંધાવનાર વિદેશી સુકાની બની ગયો છે. વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડી સર ગેરી સોબર્સે (Garry Sobers) 1966માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં કેપ્ટન તરીકે 722 રન નોંધાવ્યા હતા, ત્યારે ગિલે સોબર્સનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે.
ગિલે ગાવસ્કર-કોહલીનો તોડ્યો રેકોર્ડ
આ ઉપરાંત ગિલે એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર ગાવસ્કર (Sunil Gavaskar) અને કોહલી (Virat Kohli)નો પણ રેકોર્ડ તોડ્યો છે. સુનીલ ગાવસ્કરે 1978/79માં વેસ્ટ ઈન્ડિઝની સીરિઝમાં 732 રન નોંધાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ 2016/17માં ઈંગ્લેન્ડ વિરુદ્ધની ટેસ્ટ સીરિઝમાં 655 રન, 2017/18 શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાં 610 રન અને 2018માં ઈંગ્લેન્ડ વિરુદ્ધની સીરિઝમાં 593 રન નોંધાવ્યા હતા. ત્યારે હવે ગિલે વર્તમાન ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં કુલ 743 રન નોંધાવી ગાવસ્કર અને કોહલીને રેકોર્ડ તોડી ઈતિહાસ રચ્યો છે.


