શિયાળાની ઋતુમાં લોકોમાં શરદી, ઉધરસ અને સાંધાના દુખાવાની સમસ્યા વધે છે. તમે આ સમસ્યા દૂર કરવા દેશી લાડુનો ઉપચાર કરી શકો છો. નોંધી લો આ લાડુ બનાવવાની રીત.
શિયાળાના દિવસોમાં લોકોમાં શરદી, ઉધરસ અને સાંધાના દુખાવા જેવી સમસ્યા વધે છે. આ સમસ્યા દૂર કરવા તમે ઠંડીની શરૂઆતમાં જ કેટલાક દેશી ઉપચાર શરુ કરી શકો છો. વર્ષોથી આપણે ત્યાં શિયાળામાં વસાણા ખાવાની પરંપરા છે. સ્વાસ્થ્ય માટે આ વસાણા શ્રેષ્ઠ છે. આ દિવસોમાં લોકો મેથી પાક, ગુંદર પાક, ખજૂર પાક, અડદિયાંનું સેવન કરતા હોય છે. તમે અત્યારે શિયાળાની શરૂઆત સાથે જ જો સૂંઠના લાડુ ખાવાનું શરૂ કરશો તો આખું વર્ષ તાવ અને ચેપગ્રસ્ત બીમારીઓથી દૂર રહી શકશો. શિયાળામાં લાભદાયી છે સૂંઠના લાડુ. આ રીતે ઘરે બનાવી શકો છો.

સૂંઠના લાડુ માટે સામગ્રી :
કાજુ, બદામ, પિસ્તા, અને એલચી પાઉડર જરૂરિયાત મુજબ
2 કપ ઘઉંનો લોટ
2 ચમચી સૂંઠનો પાવડર
1 કપ છીણેલો ગોળ
1 કપ ઘી
સૂંઠના લાડુ બનાવવાની રીત :
આ લાડુ બનાવવા માટે સૌ પ્રથમ એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં ઘંઉનો લોટ ઉમેરો. પછી આ લોટને સાંતળો અને સોનેરી થાય ત્યાં સુધી 5 થી 10 મિનિટ ધીમા તાપે સાંતળતા રહો. જ્યારે લોટમાંથી સુગંધ આવવા લાગે ત્યારે ગેસ બંધ કરો. પછી તેમાં સૂંઠનો પાઉડર નાખી હલાવો અને પછી તેમાં ઇલાયીચ મિક્સ કરી બરાબર હલાવી લો. ત્યારપછી બીજી કઢાઈમાં થોડું ઘી ઉમેરી ગોળ ઓગાળી લો. (ગોળને વધુ રાંધશો નહીં). ઓગાળેલા ગોળનું મિશ્રણ લોટમાં રેડો અને સારી રીતે મિક્સ કરો.પછી તેમાં સમારેલી બદામ ઉમેરી મિશ્રણને થોડું ઠંડુ થવા દો. જ્યારે તે હૂંફાળા અને હાથમાં પકડી શકાય તેવા ગરમ હોય ત્યારે નાના લાડુ બનાવી લો. આ લાડુને નિયમિત ખાવાથી ઠંડીના દિવસોમાં શરદી-ખાંસીની સમસ્યા થશે નહી અને રોગપ્રતિકારક શક્તિ વધાશે.

