ઓસ્ટ્રેલિયાનો ૨૬ વર્ષના ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન રૂપિયા ૨૫.૨૦ કરોડના જેકપોટ સાથે આઇપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે. અબુ ધાબીમાં યોજાયેલી આઇપીએલની મિની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝીએ ભારે રસાકસી બાદ બે કરોડની બેઝપ્રાઈઝ ધરાવતા ગ્રીનને રૂપિયા ૨૫.૨૦ કરોડની સર્વોચ્ચ બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. કોલકાતાએ જ શ્રીલંકાના ફાસ્ટ બોલર પથિરાનાને રૂપિયા ૧૮ કરોડ સાથે ખરીદ્યો હતો. જે આ હરાજીના સૌથી મોંઘા ખેલાડીઓમાં બીજા ક્રમે રહ્યો હતો.આગામી સિઝન અગાઉની મિની હરાજીમાં સૌથી મોંઘા ભારતીય ખેલાડી તરીકેનો રેકોર્ડ ૧૯ વર્ષના કાર્તિક શર્મા અને ૨૦ વર્ષના પ્રશાંત વીરે નોંધાવ્યો હતો. માત્ર ૩૦ લાખની બેઝપ્રાઈઝ ધરાવતા આ બંને યુવા ખેલાડીઓને ચેન્નાઈ સુપરકિંગ્સે અધધધ રૂપિયા ૧૪.૨૦-૧૪.૨૦ કરોડની સૌથી મોટી બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કરી લીધા હતા. આ સાથે આ બંને ખેલાડીઓ આઇપીએલના ઈતિહાસના સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી બની ગયા છે.

ગ્રીન અગાઉ આઇપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી ઓસ્ટ્રેલિયાનો સ્ટાર્ક હતો. જેને ૨૦૨૪ની સિઝન અગાઉની હરાજીમાં કોલકાતાએ ૨૪.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગ્રીનને આઇપીએલના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓમાં પંત (રૂ ૨૭ કરોડ) અને શ્રેયસ ઐયર (રૂ ૨૬.૭૫ કરોડ) પછી ત્રીજું સ્થાન મળ્યું હતુ.
આઇપીએલની હરાજીમાં ૧૦ ફ્રેન્ચાઈઝીઓ કુલ મળીને રૂપિયા ૨૩૭ કરોડના પર્સ સાથે ઉતરી હતી. જ્યારે ફ્રેન્ચાઈઝીઓ હરાજીમાં ભાગ લઈ રહેલા ૩૬૦ ખેલાડીઓમાંથી મહત્તમ ૭૭ ખેલાડીને જ કરારબદ્ધ કરી શકે તેમ હતી.વર્ષ ૨૦૨૬ની સિઝન અગાઉ યોજાયેલી મિની હરાજીમાં ૧૩ ખેલાડીઓને પાંચ કરોડથી વધુની બોલી લગાવીને ફ્રેન્ચાઈઝીઓએ કરારબદ્ધ કર્યા હતા. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિવિંગસ્ટનને હૈદરાબાદની ફ્રેન્ચાઈઝીએ રૂપિયા ૧૩ કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જ્યારે કોલકાતાએ બાંગ્લાદેશના ફાસ્ટ બોલર રહમાનને માટે રૂપિયા ૯.૨૦ કરોડ ખર્ચ્યા હતા. ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર બેટ્સમેન ઈંગ્લિસને રૂપિયા ૮.૬૦ કરોડમાં લખનઉની ટીમે કરારબદ્ધ કર્યો હતો. જ્યારે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં જન્મેલા ફાસ્ટ બોલર આકિબ નાબીને દિલ્હી કેપિટ્લ્સે રૂપિયા ૮.૪૦ કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. તેની બેઝપ્રાઈઝ માત્ર ૩૦ લાખ રૂપિયા જ હતી.
આઇપીએલની આ મિની હરાજીમાં ૧૦ ફ્રેન્ચાાઈઝીઓ મર્યાદિત પર્સ (ખરીદશક્તિ) અને ખુબ જ ઓછા ખાલી સ્થાન ભરવા માટે ઉતરી હતી. જોકે કોલકાતા અને ચેન્નાઈ જેવી ફ્રેન્ચાઈઝીઓએ જંગી રકમનો ખર્ચ કરીને સુુપરસ્ટાર્સને કરારદ્ધ કર્યા હતા.
– ગ્રીનને ખરેખર તો રૂ 18 કરોડ જ મળશે
કોલકાતાએ રૂ.૨૫.૨૦ કરોડમાં ગ્રીનને કરારબદ્ધ કર્યો પણ આઇપીએલના નિયમ અનુસાર મિની હરાજીમાં વિદેશી ખેલાડીને મહત્તમ એટલી જ રકમ ખરેખર ચૂકવી શકાશે કે જેટલી જે તે વર્ષે ભારતીય ખેલાડીની મહત્તમ રિટેન્શન ફી હોય. બીસીસીઆઇનો રિટેન્શન સ્લેબ રૂપિયા ૧૮ કરોડનો છે એટલે ગ્રીનને ખરેખર રૂપિયા ૧૮ કરોડ જ મળશે. જ્યારે બાકીની રકમ એટલે રૂ ૭.૨૦ કરોડ બીસીસીઆઈના પ્લેયર્સ વેલ્ફેર ફંડમાં જશે.

