ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલે IPL 2026 પહેલા પોતાની પર્સનલ લાઈફને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. ચહલ IPLમાં પંજાબ કિંગ્સ માટે રમશે, તે આ લીગ શરૂ થાય તે પહેલાં પોતાની ફિટનેસ પર વધુ ફોકસ કરી રહ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી માટે સખત મહેનત કરી રહેલા ચહલે એબી ડી વિલિયર્સના યુટ્યુબ શો પર ખુલાસો કર્યો કે, મેં દારૂ પીવાનું છોડી દેવાનો નિર્ણય લીધો છે. મેં છ મહિનાથી દારૂ નથી પીધો. આ સાંભળીને દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સે પણ તાળી પાડી.

6 મહિનાથી દારૂને હાથ નથી લગાડ્યો
35 વર્ષીય યુઝવેન્દ્ર ચહલ માટે ફિટનેસ હવે એક મોટો પડકાર છે. તેના પર સ્પિનરે સખત મહેનત પણ કરી છે. તેણે કહ્યું કે, ‘મેં દારૂ પીવાનું છોડી દીધું છે. 6 મહિનાથી વધુ સમય થઈ ગયો, મેં દારૂને હાથ વથી લગાડ્યો. હું 35 વર્ષનો થઈ ગયો છું, તેથી હું વધારે કાળજી રાખું છું. હું મારી ટીમ માટે 150 ટકા આપવા માંગુ છું. હું સિનિયર છું તેથી હું ઈચ્છું છું કે IPLમાં યુવા ખેલાડીઓ મારી પાસેથી કંઈક શીખે
.’ફાઈનલમાં પંજાબની RCB સામે હાર
યુઝવેન્દ્ર ચહલે સ્વીકાર્યું કે, ગત સીઝનની ફાઈનલમાં માર્કો જેન્સેનની ગેરહાજરીથી ફરક પડ્યો હતો. તમને જણાવી દઈએ કે, ‘ગત સીઝનની ફાઈનલ પહેલા જેન્સેન ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની તૈયારી માટે પોતાના વતન પરત ફર્યો હતો.’ ગત વર્ષે પંજાબ પોતાની પહેલી IPL ટ્રોફી જીતવાની ખૂબ નજીક હતું, પરંતુ ફાઈનલમાં RCB સામે 6 રનથી હારી ગયું હતું. ચહલે કહ્યું કે, ‘જો જેન્સેન હોત તો અમે IPLનો ખિતાબ જીતી શક્યા હોત. જેન્સેને આખી સિઝન દરમિયાન શાનદાર બોલિંગ કરી હતી અને નીચલા ક્રમમાં તેની આક્રમક બેટિંગ શૈલી ટીમ માટે મહત્વપૂર્ણ હતી.’
ચહલે કર્યો ખુલાસો
યુઝવેન્દ્ર ચહલે પહેલી વાર ખુલાસો કર્યો કે, ‘હું IPLની ગત સીઝનના અંતમાં ઈજાથી પીડાઈ રહ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ બાદ મારી પાંસળીઓમાં ફ્રેક્ચર થયું હતું. ત્યારબાદ પગની ઘૂંટીમાં પણ ફ્રેક્ચર થયું હતું. આના કારણે હું સેમિફાઈનલ અને ફાઈનલમાં પોતાનો સ્વાભાવિક લેગ-સ્પિન નહોતો કરી શક્યો.’ ચહલે હવે તેની ફિટનેસને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે જેથી તે પંજાબ કિંગ્સના પ્રથમ IPL ટાઈટલમાં યોગદાન આપી શકે.

