SPORTS : ટી20 વર્લ્ડકપ: બાંગ્લાદેશના મોહમાં પાકિસ્તાન ટુર્નામેન્ટ છોડે તો કયા દેશને મળશે એન્ટ્રી?

0
16
meetarticle

ટી20 વર્લ્ડકપ 2026માં વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ICCએ બાંગ્લાદેશને બહારનો રસ્તો બતાવ્યો છે ત્યારે પાકિસ્તાન પણ હવે ટુર્નામેન્ટના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યું છે. પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે પાકિસ્તાનની સરકાર બાંગ્લાદેશની પડખે ઊભી રહેવા માટે ટુર્નામેન્ટ છોડવાની જાહેરાત કરી શકે છે.

ટુર્નામેન્ટ રમવું કે નહીં તે મુદ્દે પાકિસ્તાનની સરકાર લેશે નિર્ણય

ICCએ બાંગ્લાદેશને ટી20 વર્લ્ડકપમાંથી બહાર કર્યું છે. બાંગ્લાદેશને બદલે સ્કોટલેન્ડને એન્ટ્રી આપવામાં આવી છે. જોકે બાંગ્લાદેશની હકાલપટ્ટીથી હવે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવીએ ICCને ધમકી આપતા કહ્યું છે કે, બાંગ્લાદેશ સાથે અન્યાય થયો છે અને ICC બેવડું વલણ અપનાવી રહ્યું છે. નકવીએ કહ્યું કે, મેં ICCની બેઠકમાં પણ કહ્યું હતું કે બેવડું વલણ અપનાવી શકાય નહીં. કોઈ પણ ભોગે બાંગ્લાદેશને ટી20 વર્લ્ડકપમાં સામેલ કરો. અમે બંને ICCના સભ્ય છીએ. કોઈ એક દેશ બીજા દેશ પર પોતાનો નિર્ણય થોપી ના શકે. આવું ચાલતું રહ્યું તો પાકિસ્તાન પણ પોતાનો પક્ષ મજબૂતાઈથી મૂકશે. ICCનો બૉયકોટ કરવાના સવાલ પર નકવીએ કહ્યું છે કે, આ મુદ્દે પાકિસ્તાનની સરકાર જ અંતિમ નિર્ણય લેશે. અમારી પાસે પ્લાન એ, બી, સી, ડી… બધુ તૈયાર છે. ચિંતા કરવાની જરૂર નથી. અમને ICC કરતાં અમારી સરકાર પર વધારે ભરોસો છે.

પાકિસ્તાન બહાર થયું તો યુગાંડાને એન્ટ્રી મળશે!

જો પાકિસ્તાન ટી20 વર્લ્ડકપ છોડશે તો તેને બદલે યુગાંડાને ટુર્નામેન્ટમાં સામેલ કરાશે. યુગાંડાને ગ્રુપ-એમાં ભારત, નામીબિયા, નેધરલેન્ડ અને અમેરિકા સાથે રાખવામાં આવશે. અગાઉ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાયેલી ટી20 વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં પણ યુગાંડાએ ભાગ લીધો હતો. કોઈ પણ ટુર્નામેન્ટમાંથી જ્યારે એક ટીમ બહાર થાય ત્યારે ટીમોની રેન્કિંગના આધારે પાછળની ટીમને એન્ટ્રી આપવામાં આવે છે. બાંગ્લાદેશને બદલે સ્કોટલેન્ડને સામેલ કરવામાં આવ્યું. એવામાં પાકિસ્તાનના સ્થાને યુગાંડાને એન્ટ્રી આપવામાં આવી શકે છે.

ભારત સાથે પંગો લેવામાં બાંગ્લાદેશ ‘ક્લીન બોલ્ડ’, સ્કોટલેન્ડને મળી ‘ફ્રી હિટ’

ICCએ ટી20 વર્લ્ડકપ 2026માંથી બાંગ્લાદેશને બહાર કરવાનો આદેશ આપ્યો છે. ભારતમાં ન રમવાની જીદે ચઢેલા બાંગ્લાદેશને બદલે હવે સ્કોટલેન્ડ ટુર્નામેન્ટ રમશે. સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કરવાની પુષ્ટિ પણ થઈ ગઈ છે. ICCએ બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડના આ અંગે પત્ર પણ લખ્યો છે. બાંગ્લાદેશની હકાલપટ્ટી બાદ હવે સ્કોટલેન્ડની ગ્રુપ-Cમાં એન્ટ્રી થઈ છે. આ ગ્રુપમાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, નેપાળ અને ઈટાલી સામેલ છે. નોંધનીય છે કે છેલ્લા ત્રણ સપ્તાહથી ICC અને બાંગ્લાદેશ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. બાંગ્લાદેશની જીદ હતી કે તેમની ટીમ ભારત નહીં આવે અને તેમની મેચો પાકિસ્તાનની જેમ શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે. જોકે ICCએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે ટુર્નામેન્ટમાં રહેવું હોય તો ભારત આવીને જ રમવું પડશે. ICC બોર્ડની મીટિંગમાં પણ 14-2થી બાંગ્લાદેશની મેચો ભારતમાં જ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. જોકે બાંગ્લાદેશનો દાવો હતો કે ભારતમાં તેમના ખેલાડીની સુરક્ષાનો ખતરો રહેશે.

બાંગ્લાદેશે ભારત સાથે કેમ પંગો લીધો હતો?

બાંગ્લાદેશની વચગાળાની સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ગમે તે ભોગે તેમની ટીમ ભારત તો નહીં જ આવે. નોંધનીય છે કે બાંગ્લાદેશ ભારત સાથે પંગો લઈ રહ્યું છે તે વિવાદનું મૂળ IPL સાથે જોડાયેલું છે. હાલમાં જ IPLમાંથી બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુર રહેમાનની હકાલપટ્ટી કરવામાં આવી હતી. ત્યારથી જ બાંગ્લાદેશ રોષે ભરાયેલું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસાના કારણે IPLમાં બાંગ્લાદેશી ખેલાડીનો વિરોધ થયો હતો. ભારે આક્રોશ અને વિરોધના કારણે તેને IPLમાંથી રીલીઝ કરવામાં આવ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here