ભારતીય ક્રિકેટ ફેન્સ ઘણા મહિનાથી વિરાટ કોહલી અને રોહિત શર્માના કમબેકની રાહ જોઈ રહ્યા છે. એવામાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝમાં રોહિત અને વિરાટ બંને ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. પહેલી મેચમાં બંને ખેલાડીઓ સારા રન બનાવી શક્યા નહોતા. એવામાં આજે બીજી મેચમાં પણ વિરાટ કોહલી ખાતું ખોલી શક્યો નહીં. સ્ટાર બોલર ઝેવિયર બાર્ટલેટે કોહલીને LBW આઉટ કર્યો.

કોહલીએ દર્શકોનું અભિવાદન કર્યું
ભારતની બેટિંગ દરમિયાન સાતમી ઓવરમાં બાર્ટલેટનો બોલ સ્વિંગ થઈને આવ્યો અને વિરાટ કોહલીના બેટનો સંપર્ક થઈ શક્યો નહીં. વિરાટ કોહલી આઉટ થતાં જ એડિલેડમાં સન્નાટો છવાઈ ગયો અને દર્શકો અવાક રહી ગયા. કોહલીએ માથું ઝુકાવી ગ્લવ્સ ઊંચા કરી દર્શકોનું અભિવાદન કર્યું અને પવેલીયન જતો રહ્યો.
કોહલીના કરિયરમાં આવું પહેલીવાર
વિરાટ કોહલીના ઈન્ટરનેશનલ કરિયરમાં આવું પહેલી વાર થયું છે જ્યારે તે સતત બીજી મેચમાં ઝીરો રન પર આઉટ થયો હોય. પહેલી મેચમાં પર્થમાં મિચેલ સ્ટાર્કે કોહલીને ઝીરો પર આઉટ કર્યો હતો.

