T20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારત-પાકિસ્તાન ક્રિકેટને લઈને ફરી એકવાર મોટો સસ્પેન્સ ઉભો થયો છે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં રમાવા જઈ રહી છે અને પાકિસ્તાનને તેમા ભાગ લેવા માટે સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. જોકે, આ મંજૂરી સાથે એક એવો નિર્ણય જોડાયો છે જેણે ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. પાકિસ્તાને ભારત સામેની ગ્રુપ સ્ટેજ મેચ રમવાનો ઈનકાર કરી દીધો છે.

પાકિસ્તાન સરકારના નિર્ણય પ્રમાણે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ગ્રુપ મેચ નહીં રમાશે. ભારતનો બોયકોટ કરીને પાકિસ્તાને પોતાના પગ પર જ કુહાડી મારી છે. આનો અર્થ એ થયો કે ભારતને વોકઓવર દ્વારા 2 પોઈન્ટ મળી જશે. T20 જેવી નાની ટુર્નામેન્ટમાં આ બે પોઈન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, આ નિર્ણય પાકિસ્તાન માટે આગળનો રસ્તો વધુ મુશ્કેલ બનાવી શકે છે.
આ મોટો નિર્ણય કેમ લેવામાં આવ્યો?
આ સમગ્ર વિવાદનું મૂળ સુરક્ષા અને રાજકીય સહમતિ સાથે જોડાયેલું છે. આ પહેલા બાંગ્લાદેશને લઈને થયેલા વિવાદ બાદ પાકિસ્તાને ICC પર બેવડા ધોરણોનો આરોપ લગાવ્યો અને પછી આ નિર્ણય લીધો.
ગયા વર્ષે થયેલા સમજોતામાં ભારત-પાકિસ્તાન વચ્ચે એ સહમતિ સધાઈ હતી કે, ICC ટુર્નામેન્ટ દરમિયાન બંને ટીમો સુરક્ષા અને રાજકીય સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને એકબીજાના દેશોનો પ્રવાસ નહીં અને મેચ ન્યૂટ્રલ વેન્યૂ પર થશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાના કારણો આગળ ધરીને ભારતમાં રમવાનો ઇન્કાર કર્યો હતો, જેના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે અને તેના બદલે સ્કોટલૅન્ડને તક આપવામાં આવી છે. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નક્વીએ વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ એ નિર્ણય લેવામાં આવ્યો કે, પાકિસ્તાન ભારત સામેની ગ્રુપ સ્ટેજ મેચ નહીં રમશે.
પાકિસ્તાન માટે આગળનો રસ્તો મુશ્કેલ
ગ્રુપ સ્ટેજમાં ભારત સામે મેચ ન રમવાની અસર પાકિસ્તાનની ક્વોલિફિકેશન આશાઓ પર પણ પડશે. ગ્રુપમાંથી માત્ર ટોપ-3 ટીમો જ આગળ જશે. આવી સ્થિતિમાં પાકિસ્તાને અમેરિકા, નેધરલેન્ડ્સ અને નામિબિયા સામેની પોતાની બધી મેચ જીતવી પડશે. માત્ર જીત જ નહીં પરંતુ નેટ રન રેટ પણ એક મહત્વપૂર્ણ પડકાર બનશે. વરસાદ અથવા કોઈપણ એક ખરાબ પ્રદર્શનના કારણે તેમનો ખેલ બગડી શકે છે.
સૌથી મોટો સવાલ એ છે કે, જો ભારત અને પાકિસ્તાન નોકઆઉટ મેચમાં આમને-સામને નહીં આવે તો શું થશે? આ અંગે હજુ સુધી PCB અથવા ICC તરફથી કોઈ સ્પષ્ટ જવાબ નથી આવ્યો. સેમિફાઈનલ અથવા ફાઈનલમાં ભારત-પાકિસ્તાન મેચ ICC માટે સૌથી મોટું આકર્ષણ હોય છે. આવી મેચથી કરોડોની બ્રોડકાસ્ટિંગ કમાણી જોડાયેલી હોય છે.
જો પાકિસ્તાન નોકઆઉટમાં પણ મેચ રમવાનો ઈનકાર કરે તો આ માત્ર એક ટીમનો જ નિર્ણય નહીં રહેશે, પરંતુ ટૂર્નામેન્ટની અને ICCની વિશ્વસનીયતા પર પણ સવાલ ઊભા થશે. સ્પષ્ટ છે કે, ભારત-પાકિસ્તાન મેચની અસલી તસવીર હજુ સામે આવવાની બાકી છે અને આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ મોટું રૂપ ધારણ કરી શકે છે.
નોકઆઉટ મેચમાં શું કરશે PCB?
પાકિસ્તાનની સરકારે જ્યારે એ એલાન કર્યું કે, તેની રાષ્ટ્રીય ટીમ T20 વર્લ્ડ કપમાં ભારત સામે મેચ નહીં રમે ત્યારે તેણે માત્ર ગ્રુપ સ્ટેજનો ઉલ્લેખ કર્યો હતો. આવી સ્થિતિમાં એ સવાલ ઊભો થાય છે કે, જો નોકઆઉટ સ્ટેજ અથવા ફાઈનલમાં બંને ટીમો એકબીજાની સામે આવો તો પાકિસ્તાનનું વલણ શું હશે? જો પાકિસ્તાન ત્યાં પણ પોતાના આ જ વલણ પર અડગ રહે છે તો ભારતને ફાયદો થશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આગામી દિવસોમાં મળવાની અપેક્ષા છે.
એશિયા કપ કે ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન અને ભારત વચ્ચેની મેચોને બ્રોડકાસ્ટર્સ અને ICC માટે આવકનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. ગત વર્ષે UAEમાં એશિયા કપમાં બંને ટીમોએ એકબીજા સામે ત્રણ મેચ રમી હતી.

