બાંગ્લાદેશમાં થયેલા સત્તા પરિવર્તન બાદ ભારત સાથેના સંબંધોમાં સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદો અને તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે, નવી બાંગ્લાદેશ સરકારે એક મોટો અને સકારાત્મક નિર્ણય લીધો છે. બાંગ્લાદેશમાં હવે ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

શું હતો સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત IPL 2026 થી થઈ હતી, જ્યારે બાંગ્લાદેશના સ્ટાર ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને તેની ટીમે રિલીઝ કરી દીધો હતો. આ ઘટના બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વચ્ચેના સંબંધો વણસ્યા હતા. તત્કાલીન મહોમ્મદ યુનુસ સરકારે આ વિવાદને રાજકીય રંગ આપ્યો અને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે પોતાની ટીમને ભારત મોકલવાનો ઇનકાર કરી દીધો. બાંગ્લાદેશના ઇનકાર બાદ, ICC એ તેની જગ્યાએ સ્કોટલેન્ડને વર્લ્ડ કપ રમવાની તક આપી.
IPL પર પ્રતિબંધ
આઇસીસી સામે પરાજય બાદ હાર પચાવી ન શકતા, યુનુસ સરકારે ખુન્નસ કાઢવા માટે નવું હથિયાર ઉગામ્યું હતું. બાંગ્લાદેશમાં IPLના પ્રસારણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો, જેનાથી ક્રિકેટ ચાહકો આઘાતમાં હતા.
નવી સરકારનું ગ્રીન સિગ્નલ
બાંગ્લાદેશમાં સત્તા પલટા બાદ સ્થિતિ બદલાઈ છે. વર્તમાન માહિતી અને પ્રસારણ મંત્રી ઝહીર ઉદ્દીન સ્વપને સ્પષ્ટ કર્યું છે કે, સરકાર રમતગમત અને રાજકારણને અલગ રાખવા માંગે છે. “અમે રમતગમતને રાજકારણ સાથે જોડવા માંગતા નથી. જો કોઈ ચેનલ IPLનું પ્રસારણ કરવા માંગે છે, તો અમે તેને વ્યાવસાયિક દ્રષ્ટિકોણથી જોઈશું અને સકારાત્મક નિર્ણય લઈશું. અમે કોઈને ટેલિકાસ્ટ કરતા રોકીશું નહીં.” કેબલ ઓપરેટર્સ એસોસિએશને પણ પુષ્ટિ કરી છે કે હાલમાં IPL ટેલિકાસ્ટ પર કોઈ રોક નથી અને જો સ્ટાર સ્પોર્ટ્સ પ્રસારણ કરશે તો તેઓ તેને બતાવશે.
ભારતના બાંગ્લાદેશ પ્રવાસ સાથે કનેક્શન?
સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ નિર્ણય પાછળ કોઈ રાજદ્વારી વ્યૂહરચના છે? આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ પ્રસ્તાવિત છે, જેમાં ત્રણ વનડે અને ત્રણ T20 મેચ રમાવાની છે. ભારતીય ટીમનો પ્રવાસ કેન્દ્ર સરકારની મંજૂરી પર નિર્ભર છે. એવામાં IPL પર નરમાઈ બતાવીને બાંગ્લાદેશ સરકાર ભારતને એક સકારાત્મક ડિપ્લોમેટિક સિગ્નલ આપી રહી હોય તેમ માનવામાં આવે છે. જોકે સરકારે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ આ નિર્ણયની ટાઈમિંગ ઘણું બધું કહી જાય છે. શું આ નિર્ણયથી ભારત-બાંગ્લાદેશ ક્રિકેટ સંબંધો ફરી પાટા પર ફરશે? તે જોવું રહ્યું.
