પાકિસ્તાન સરકારના ગૃહમંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીએ અંતે નમતું મૂક્યું છે. એશિયા કપ 2025 ટ્રોફી વિવાદમાં નકવીની ભારે ટીકા થતાં અંતે તેઓએ ટ્રોફી યુએઈ ક્રિકેટ બોર્ડને સોંપી હોવાના અહેવાલ મળ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, યુએઈ બોર્ડ ટૂંકસમયમાં એશિયા કપ 2025ની ટ્રોફી અને મેડલ ભારતને સોંપશે. હજી આ અંગે સમયની સ્પષ્ટતા થઈ નથી. બીસીસીઆઇના અધિકારીઓએ આજે વર્ચ્યુઅલી યોજાયેલી બેઠકમાં નકવીનો સામનો કર્યો હતો. ત્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. બીસીસીઆઇએ નકવીએ પોતાના પદનો દુરુપયોગ કરી રમતના માપદંડોનું અપમાન કર્યું હોવાનો દાવો કર્યો હતો. નોંધનીય છે, એસીસી બેઠકનું નેતૃત્વ નકવીએ કર્યું હતું, અને રાજીવ શુક્લા, આશિષ શેલાર ભારતીય પ્રતિનિધિ હતા.
બેઠકમાં જણાવ્યું ટ્રોફી ક્યાં છે?
આ બેઠકમાં જાણવા મળ્યું હતું કે, એશિયા કપની ટ્રોફી યુએઈ ક્રિકેટ બોર્ડ પાસે છે. હજુ સ્પષ્ટ નથી થયું કે, વિજેતા ટીમ પાસે આ ટ્રોફી ક્યારે પહોંચશે. બીસીસીઆઇએ સ્પષ્ટપણે આ બેઠકમાં કહ્યું હતું કે, ટ્રોફી વિજેતા ટીમને સોંપી દેવી જોઈએ. આ એસીસીની ટ્રોફી છે. કોઈ વ્યક્તિગત જાગીર નથી. જો કે, નકવી તેનો વિરોધ કરતાં પોતાની શરત પર અડગ રહ્યા હતા કે, સૂર્યકુમાર યાદવ દુબઈ આવીને ટ્રોફી લઈ જાય.
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના પગલે ટીમ ઇન્ડિયાએ એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાન સામે પાંચ વિકેટે જીત મેળવી હતી. જીત્યા બાદ ટીમ ઇન્ડિયાએ એસીસી ચીફ મોહસીન નકવીના હસ્તે ટ્રોફી લેવાનો ઇન્કાર કરતાં આ વિવાદ સર્જાયો હતો.
PCB ચીફનો ટ્રોફી આપવાનો ઇન્કાર
ટ્રોફી વિવાદ બાદ બીસીસીઆઇ અને પીસીબી વચ્ચે દુબઈમાં બેઠક યોજાઈ હતી. બીસીસીઆઇએ એસીસી અને પીસીબી અધ્યક્ષ મોહસીન નકવીને ટ્રોફી અને મેડલ પાછા આપવા કહ્યું હતું. મોહસીન નકવીએ આ વિવાદ માટે ઔપચારિક માફી માગી નથી. નકવી પોતાના નિર્ણય પર અડગ રહ્યા છે. અને કહ્યું છે કે, દુબઈમાં જે પણ થયું તે થવું જોઈએ નહીં. પણ હું મેડલ કે ટ્રોફી આપીશ નહીં. સૂર્યકુમાર યાદવ દુબઈ આવી ટ્રોફી લઈ જાય.

