એશિયા કપ 2025 પછી ક્રિકેટ ફેન્સની નજર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) મહિલા ODI વર્લ્ડ કપ પર છે, જ્યાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમને-સામને થશે. આગામી રવિવાર (પાંચમી ઓક્ટોબર) ફેન્સ માટે રોમાંચક બનવાનો છે. કારણ કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાકિસ્તાનની ટીમ સામે ટકરાશે. આ મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાશે.

અહેવાલો અનુસાર, શ્રીલંકાના કોલંબોમાં પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાનારી આ ભારત અને પાકિસ્તાનની મેચ પર સૌની નજર રહેશે. આના ઘણાં કારણો છે, એ જોવાનું બાકી છે કે શું ભારતીય પુરુષ ટીમની જેમ મહિલા પણ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે. ભારતીય મહિલા ટીમની પહેલી મેચ 30મી સપ્ટેમ્બરે શ્રીલંકા સામે છે. આ દરમિયાન પાકિસ્તાની ટીમ બીજી ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે પહેલી મેચ રમશે. નોંધનીય છે કે આ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ (ODI) 30મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. ફાઈનલ મેચ બીજી નવેમ્બરે રમાશે.ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ સાત વખત વર્લ્ડ કપ જીત્યો છે. દરમિયાન, ભારત 2013 અને 2017 માં ફક્ત બે વાર ફાઇનલમાં પહોંચ્યું છે, પરંતુ 1973થી 2022 વચ્ચેની 12 સીઝનમાં ક્યારેય કપ જીતી શક્યું નથી. આ વર્ષ ભારતીય ટીમ માટે શાનદાર તક છે.
ભારતે એશિયા કપ ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી
ઉલ્લેખનીય છે કે, ભારતે નવમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. 28મી સપ્ટેમ્બરે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. જો કે, ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. ભારતીય ખેલાડીઓએ મેચ બાદ સ્પષ્ટ કહ્યું કે ‘અમે પાકિસ્તાની મોહસીન નકવીના હાથે ટ્રોફી નહીં લઈએ.’

