એશિયા કપ 2025 ની ફાઇનલ 28 સપ્ટેમ્બરે રમાશે. ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો, પરંતુ હવે ફક્ત ત્રણ ટીમો જ ટાઇટલની રેસમાં સામેલ થવાની બાકી છે. ગઈકાલે 23 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે હાર્યા બાદ શ્રીલંકા પણ ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ ગયું છે. હવે, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ફાઈનલમાં સ્થાન મેળવવા જોર કરશે. જેમણે સુપર ફોરમાં એક-એક મેચ જીતી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે મેચ છે, આ મેચમાં વિજેતા ટીમ લગભગ ચોક્કસપણે ફાઇનલમાં સ્થાન મેળવી લેશે.

ભારતની જીત લગભગ નિશ્ચિત
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાએ સુપર ફોર ઝુંબેશની શરૂઆત પાકિસ્તાનને હરાવીને કરી હતી. પાકિસ્તાનને હરાવવાથી ભારતને માત્ર બે પોઈન્ટ જ નહીં પરંતુ +0.689 નો નેટ રન રેટ પણ પ્રાપ્ત થયો હતો. જો ભારત આજે બાંગ્લાદેશ સામેની પોતાની બીજી સુપર ફોર મેચ જીતે, તો તેઓ ફાઇનલમાં સ્થાન મેળવી શકે છે.
પાકિસ્તાનનો આગામી મુકાબલો બાંગ્લાદેશ સામે
સલમાન આગાની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાન ક્રિકેટ ટીમે સુપર 4 માં બે મેચ રમી છે. જેમાં એકમાં ભારત સામે હાર અને શ્રીલંકા સામે 5 વિકેટથી વિજય મેળવ્યો હતો. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચવા માગતી હોય તો તેણે આગામી બાંગ્લાદેશ સામેની મેચમાં કોઈપણ ભોગે જીત હાંસલ કરવી પડશે.
બાંગ્લાદેશે એડીચોટીનું જોર લગાવવુ પડશે
બાંગ્લાદેશે શ્રીલંકા સામે પોતાનો પહેલો મુકાબલો જીત્યો હતો. જો કે, બીજા મુકાબલામાં ભારત સામે કારમી હાર મળી હતી. જો બાંગ્લાદેશી ટીમ મોટો અપસેટ સર્જીને ભારતને હરાવવામાં સફળ રહે, તો ફાઇનલમાં સ્થાન મેળવી શકશે. જો કે, તેના માટે તેણે એડીચોટીનું જોર લગાવવુ પડશે. 16-1થી તેની હેડ-ટુ-હેડ શક્યતાઓને જોતાં બાંગ્લાદેશ આ હાંસલ કરી શકશે નહીં. જો ભારત આજે T20I માં 17મી વખત બાંગ્લાદેશને હરાવે છે, તો તેઓ નોકઆઉટ તબક્કામાં પાકિસ્તાનનો સામનો કરશે.
શ્રીલંકા અંતિમ રેસમાંથી બહાર
પાકિસ્તાન સામે હાર્યા બાદ, શ્રીલંકાની ટીમ અંતિમ રેસમાંથી બહાર થઈ ગઈ છે. આજે ભારતની બાંગ્લાદેશ સામેની જીત સાથે તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. શ્રીલંકાએ અત્યાર સુધી બે મેચ રમી છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે હારી હતી. શ્રીલંકા જો પાકિસ્તાન સામે જીતે તો પણ મહત્તમ બે પોઈન્ટ સુધી જ પહોંચી શકે છે, જેના કારણે તેની ફાઇનલમાં પહોંચવાની શક્યતા ઓછી છે.

