ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનિંગ બેટર ઉસ્માન ખ્વાજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. સિડનીમાં રમાનાર એશિઝ સીરિઝની છેલ્લી ટેસ્ટ તેના કરિયરની પણ અંતિમ મેચ ગણાશે. આ જાહેરાત સાથે ખ્વાજાએ તેની કારકિર્દીમાં સહન કરેલા જાતિવાદી ભેદભાવ અને મેનેજમેન્ટના બેવડા માપદંડો વિશે ખુલીને વાત કરી હતી.

ઉસ્માન ખ્વાજાનું દર્દ છલકાયું
ખ્વાજાએ કહ્યું કે હું પાકિસ્તાની મૂળનો હતો અને મુસ્લિમ હતો એટલા માટે મારા કરિયરમાં મને અલગ નજરે જોવામાં આવતો હતો. મારી અયોગ્ય રીતે ટીકાઓ થતી હતી. જ્યારે પણ ઈજાગ્રસ્ત થતો તો મીડિયા અને અમુક પૂર્વ ખેલાડીઓએ અધૂરી માહિતીના આધારે જ સવાલો ઊઠાવવાનું શરૂ કરી દીધું હતું. પાકિસ્તાની, વેસ્ટ ઈન્ડિયન અને અનેકવાર તો સ્વાર્થી તથા મહેનત ન કરનાર તેમજ ટીમની ચિંતા ન કરનારો ગણાવ્યો હતો. આ બધુ મેં આખા જીવન દરમિયાન સહન કર્યું છે.
મને આળસું અને બેજવાબદાર ગણાવ્યો
ઓસ્ટ્રેલિયન ઓપનર ખ્વાજાએ કહ્યું કે જ્યારે પણ હું ઈજાગ્રસ્ત થયો ત્યારે મારી 5 દિવસ સુધી સતત ટીકાઓ થતી હતી. મને આળસું અને બેજવાબદાર કહેવામાં આવતો હતો. મને કહેતા કે તું ટીમ માટે નથી રમતો. આ બધુ જાતીવાદી વિચારધારાનો જ હિસ્સો હતો.
ગોલ્ફ રમ્યો એટલે સવાલો ઊઠ્યા
ખ્વાજાએ કહ્યું કે હું ગોલ્ફ રમતો હતો એટલે પણ મારી સામે પ્રશ્નો ઉભા થયા હતા. ખ્વાજાએ પર્થ ટેસ્ટ પહેલા ગોલ્ફ રમવા બદલ અને વૈકલ્પિક તાલીમ સત્રમાં હાજરી ન આપવા બદલ થયેલી ટીકાનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે , “કેટલાક લોકોએ મારી ઈજા માટે મારા ગોલ્ફિંગને જવાબદાર ઠેરવ્યું હતું. હું ડઝનબંધ ઉદાહરણો આપી શકું છું જ્યાં ખેલાડીઓ મેચ પહેલા ગોલ્ફ રમે છે અને ઘાયલ થાય છે, પરંતુ તેમના વિશે કોઈ પ્રશ્ન ઉઠાવવામાં આવતો નથી. ઘણા ખેલાડીઓ મેચ પહેલા 15 બીયર પીવે છે, છતાં કોઈ મુદ્દો ઉઠાવવામાં આવતો નથી કારણ કે તેમને ‘ઓસ્ટ્રેલિયન લેરિકિન્સ’ કહેવામાં આવે છે. જ્યારે હું ઘાયલ થયો, ત્યારે મારી વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો.”
પરિવારની હાજરીમાં નિવૃત્તિ જાહેર કરી
ખ્વાજાએ પરિવારની હાજરીમાં નિવૃત્તિની જાહેરાત કરી. તેની પત્ની રશેલ, બાળકો અને પરિવારના અન્ય સભ્યો તેમની સાથે પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા. જ્યાં તેણે કહ્યું કે હું લાંબા સમયથી આ નિર્ણય પર વિચાર કરી રહ્યો હતો.
