વિશ્વના નંબર વન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સ્પષ્ટ કરી દીધું છે કે, ‘હું 2027ના વર્લ્ડ કપમાં રમવા માગુ છું.’ જોકે, તેણે એમ પણ કહ્યું કે, ‘મને ટીમમાં સ્થાન નથી મળ્યું અને મારે રમવું કે ન રમવું તે સિલેક્ટર્સના હાથમાં છે.’ જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે વન-ડે અને T20 ટીમોની જાહેરાત કરી ત્યારે જાડેજાને અગાઉથી જ જાણ કરી દેવામાં આવી હતી કે તે ટીમનો હિસ્સો રહેશે નહીં.

2027ના વર્લ્ડ કપમાં રમવા માગુ છું
દિલ્હીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સીરિઝની બીજી ટેસ્ટના બીજા દિવસે ત્રણ વિકેટ લઈને મહેમાન ટીમના ટોપ ઓર્ડરને હચમચાવી મૂકનાર જાડેજા દિવસની રમત સમાપ્ત થયા બાદ મીડિયા સામે આવ્યો ત્યારે તેને વર્લ્ડ કપ વિશે સવાલ કરવામાં આવ્યો. જાડેજાએ કહ્યું કે, ‘હું 2027 વર્લ્ડ કપમાં રમવા માગુ છું, એ તો સ્પષ્ટ છે. જોકે, આ હંમેશા સિલેક્ટર્સનો નિર્ણય હોય છે. સારી વાત એ છે કે પસંદગીકારો, કોચ અને કેપ્ટને મારી સાથે વાત કરી અને મને સમજાવ્યું કે કેમ મારી પસંદગી કરવામાં ન આવી, અને હું કારણો સમજું છું. દરેક વ્યક્તિનું વન-ડે વર્લ્ડ કપ જીતવાનું સપનું હોય છે.’
શુભમન ગિલ બન્યો ભારતનો નવો વન-ડે કેપ્ટન
તમને જણાવી દઈએ કે, સિલેક્ટર્સે વન-ડેની કેપ્ટનશીપ રોહિત શર્મા પાસેથી લઈને શુભમન ગિલને સોંપવાનો નિર્ણય લીધો છે. પસંદગીકારો ગિલને ઓલ-ફોર્મેટ કેપ્ટન તરીકે જોઈ રહ્યા છે અને તેમના નિર્ણયને આ જ સંદર્ભમાં જોવામાં આવી રહ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે વન-ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બંને અનુભવી ખેલાડીઓએ 2027ના વનડે વર્લ્ડ કપમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે, પરંતુ જો રિપોર્ટસ અને દિગ્ગજોના નિવેદનો પર વિશ્વાસ કરવામાં આવે તો, તે બંને માટે આ સરળ નહીં રહેશે.
કોહલી, રોહિત શર્મા અને જાડેજાનું T20 ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા
વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું. ભારતે આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો, પરંતુ આ પ્રવાસમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ત્રીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પહોંચવાનું તેમનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું. જ્યાં અશ્વિને પ્રવાસ દરમિયાન નિવૃત્તિ લઈ લીધી, તો કોહલી અને રોહિતે પ્રવાસ પછી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે, જાડેજા ટેસ્ટ અને વન-ડે રમી રહ્યો છે. જાડેજા છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટમાં બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરી રહ્યો છે.
ટીમ ઇન્ડિયાની વનડે ટીમ: શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઇસ-કૅપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ.
ટીમ ઇન્ડિયાની T20 ટીમ: સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન(વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર.

