રણજી ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમીએ અત્યાર સુધીની બે મેચમાં કુલ 15 વિકેટ ઝડપીને શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં ગુજરાત સામેની મેચમાં 8 વિકેટનો સમાવેશ થાય છે. અગાઉ ઉત્તરાખંડ સામે 7 વિકેટ લીધા બાદ જ્યારે શમીએ ચીફ સિલેક્ટર અજીત અગરકર પર પલટવાર કર્યો હતો, ત્યારે બંને વચ્ચે તણાવના સમાચાર હતા, પરંતુ હવે એવું જણાય છે કે આ વિવાદ થાળે પડી ગયો છે.

વિવાદ કેમ શરુ થયો?
થોડા સમય પહેલાં, મોહમ્મદ શમીએ પોતાને સંપૂર્ણપણે ફિટ ગણાવીને જણાવ્યું હતું કે, ‘તમને BCCI કે સિલેક્ટર્સ તરફથી કોઈ અપડેટ મળી નથી’ આ સાથે જ શમીએ કહ્યું કે, ‘અપડેટ આપવી કે લેવી એ મારું કામ નથી, મારું કામ NCA જઈને તૈયારી કરીને મેચ રમવાનું છે.’
તેના જવાબમાં ચીફ સિલેક્ટર અજીત અગરકરે સ્પષ્ટતા કરી હતી કે, ‘મેં શમી સાથે વાતચીત કરી છે અને મારો ફોન હંમેશા ખેલાડીઓ માટે ઓન છે.’ જોકે, અગરકરે એ પણ સ્પષ્ટ કર્યું કે, ‘BCCIની મેડિકલ ટીમના મતે શમી હજુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે સંપૂર્ણપણે તૈયાર નથી.’
BCCIની દખલગીરી
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે BCCIએ પોતાના નવા સેન્ટ્રલ ઝોન સિલેક્ટર આરપી સિંહને આ મામલે મોકલ્યા. તેમને કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ચાલી રહેલી બંગાળ વિરુદ્ધ ગુજરાતની રણજી મેચ દરમિયાન શમી સાથે વાતચીત કરતા જોવામાં આવ્યા હતા.
આરપી સિંહની વાતચીત બાદ શમીનું વલણ નરમ પડ્યું
આરપી સિંહ સાથેની વાતચીત પછી શમીનું વલણ નરમ થતું જોવા મળ્યું. ગુજરાત વિરુદ્ધ તેણે 8 વિકેટ લીધી, જેમાંથી 5 વિકેટ બીજી ઇનિંગ્સમાં આવી, પરંતુ આ વખતે તેણે કોઈ પણ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપવાનું ટાળ્યું.
રમૂજી સ્વરમાં તેણે કહ્યું, ‘હું હંમેશા વિવાદોમાં રહું છું. તમે (મીડિયા) મને એવો બોલર બનાવી દીધો છે. હું બોલીશ તો વિવાદ થઈ જશે. હવે શું કહું, સોશિયલ મીડિયા પર તો કોઈ પણ કંઈ પણ બોલી દે છે.’
નોંધનીય છે કે 14 નવેમ્બરથી ભારત-સાઉથ આફ્રિકાની ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. આ સિરીઝમાં શમીના હાલના ફોર્મને જોતાં માનવામાં આવે છે કે તે ટીમમાં સામેલ થઈ શકે છે.

