ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 9મી મેચમાં શનિવારે ગુજરાત ટાઈટન્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સે 6 રનથી મેચ જીતી લીધી હતી. આ મેચમાં ગુજરાત ટાઈટન્સને જીત માટે 211 રન બનાવવાના હતા, પરંતુ તે 8 વિકેટ પર માત્ર 204 રન જ બનાવી શકી.

તુષાર પાંડેએ રંગ રાખ્યો
આ મેચ છેલ્લી ઓવર સુધી ચાલી અને ખૂબ જ રોમાંચક રહી. ગુજરાત ટાઈટન્સને છેલ્લી ઓવરમાં જીત માટે 11 રન બનાવવાના હતા. પરંતુ ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ આ ઓવરમાં કમાલની બોલિંગ કરતા માત્ર 4 રન આપ્યા અને કેપ્ટન રાશિદ ખાનની વિકેટ પણ લીધી. રાશિદ ખાન અને કાગીસો રબાડા સેટ થઈ ગયા હતા, પરંતુ તુષારે છેલ્લી ઓવરમાં આ બંનેને રન બનાવવાની તક ન આપી.
રાજસ્થાન રોયલ્સની સતત બીજી જીત
રાજસ્થાન રોયલ્સની આ સીઝનમાં આ સતત બીજી જીત રહી. બીજી તરફ ગુજરાત ટાઈટન્સ આ સીઝનમાં સતત બીજી મેચ હારી ગઈ છે. ગુજરાત ટાઈટન્સની આ સીઝનની શરૂઆત ખરાબ રહી અને તેણે પોતાની પહેલી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)એ તેને ત્રણ વિકેટથી હરાવી દીધી હતી. બીજી તરફ રાજસ્થાન રોયલ્સે પોતાની પહેલી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને 8 વિકેટથી હરાવ્યું હતું.
સાઈ સુદર્શનનું શાનદાર પ્રદર્શન
રન ચેઝમાં ગુજરાત ટાઈટન્સની શરૂઆત શાનદાર રહી. કુમાર કુશાગ્ર અને સાઈ સુદર્શને પ્રથમ વિકેટ માટે 78 રન જોડ્યા હતા. કુશાગ્રે 18 રન બનાવ્યા અને તેની વિકેટ કેપ્ટન રિયાન પરાગે લીધી. ત્યારબાદ ગુજરાત ટાઈટન્સને સુદર્શનના રૂપમાં મોટો ઝટકો લાગ્યો. સુદર્શને 44 બોલમાં 73 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ છે. સુદર્શનને સ્પિનર રવિ બિશ્નોઈએ આઉટ કર્યો, જે ઈમ્પેક્ટ સબ તરીકે મેદાનમાં ઉતર્યો હતો.ત્યારબાદ રવિ બિશ્નોઈએ ગ્લેન ફિલિપ્સ (3 રન) અને વોશિંગ્ટન સુંદર (4 રન) ને આઉટ કર્યા. જોકે, બીજી તરફ સારી બેટિંગ કરી રહેલ જોસ બટલર (26 રન)એ પણ નાંદ્રે બર્ગર સામે પોતાની વિકેટ ગુમાવી દીધી, જેના કારણે ગુજરાત ટાઈટન્સ મુશ્કેલીમાં મુકાઈ ગયું. ત્યારબાદ રવિ બિશ્નોઈએ રાહુલ તેવતિયાને આઉટ કર્યો, જે ફક્ત 12 રન બનાવી શક્યો હતો. શાહરૂખ ખાન 11 રન બનાવીને રન આઉટ થયો, જેનાથી ગુજરાત ટાઈટન્સનો સ્કોર 161/7 થઈ ગયો. ત્યાંથી કાગીસો રબાડા (23 રન અણનમ) અને રાશિદ ખાન (24 રન)એ મેચને રોમાંચક બનાવી દીધી.
રાજસ્થાન રોયલ્સની આવી રહી ઈનિંગ
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 6 વિકેટ પર 210 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સની શરૂઆત શાનદાર રહી, વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 70 રન પાર્ટનરશિપ થઈ. વૈભવ સૂર્યવંશીએ 18 બોલમાં 31 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. કેપ્ટન રાશિદ ખાને વૈભવને પોતાની ફિરકીમાં ફસાવ્યો. વૈભવના આઉટ થયા બાદ યશસ્વીએ ધ્રુવ જુરેલ સાથે મળીને બીજી વિકેટ માટે 56 રન જોડ્યા.
યશસ્વી જયસ્વાલે 36 બોલમાં 55 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ છે. કાગીસો રબાડાએ યશસ્વીને શાનદાર બોલિંગ કરીને ક્લીન બોલ્ડ કર્યો. કેપ્ટન રિયાન પરાગ (8 રન), શિમરોન હેટમાયર (18 રન) અને ડોનોવન ફરેરા (1 રન) બેટિંગથી કંઈ ખાસ કમાલ ન કરી શક્યા.
વિકેટોના પતન વચ્ચે ધ્રુવ જુરેલે ક્રીઝ પર ટકી રહીને શાનદાર ઈનિંગ રમી. જુરેલે 42 બોલમાં 75 રન બનાવ્યા, જેમાં 5 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. ગુજરાત ટાઈટન્સ તરફથી કાગીસો રબાડાએ સૌથી વધુ બે વિકેટ ઝડપી. રાશિદ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, અશોક શર્મા અને મોહમ્મદ સિરાજે એક-એક વિકેટ લીધી.
રાશિદ ખાને ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળી
આ મેચમાં રાશિદ ખાને ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળી. નિયમિત કેપ્ટન શુભમન ગિલ સ્નાયુઓમાં ખેંચાણને કારણે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો.ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઈટન્સનું પલડું રાજસ્થાન રોયલ્સ સામે ભારે રહ્યું છે. બંને ટીમો વચ્ચે IPLમાં અત્યાર સુધી નવ મેચ રમાઈ છે. આ દરમિયાન ગુજરાત ટાઈટન્સે છ મેચ જીતી છે, જ્યારે રાજસ્થાન રોયલ્સે ફક્ત 3 મેચ જીતી છે.

