ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વનડે શ્રેણીની બીજી મેચ પહેલા, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માના હાવભાવે ક્રિકેટ જગતમાં ચિંતા અને અટકળોનો દોર શરૂ કરી દીધો છે. પ્રેક્ટિસ માટે હંમેશની જેમ નેટ્સ પર સૌથી પહેલા પહોંચવા છતાં, આ વખતે રોહિત શર્માનો મૂડ અને તેની બોડી લેંગ્વેજ કંઈક અલગ જ દેખાઈ રહી હતી.

પ્રેક્ટિસ સેશનમાં શું બન્યું?
રોહિત શર્માએ એડિલેડ ઓવલના નેટ્સ પર સ્પિન અને ફાસ્ટ બોલરો સામે જોરદાર અભ્યાસ કર્યો, પરંતુ સેશન પૂરું થયા પછી તે પોતાના સામાન્ય ઉત્સાહી અંદાજમાં જોવા મળ્યો ન હતો. સામાન્ય રીતે મીડિયા અને ચાહકો સાથે હસીને વાત કરતો ‘હિટમેન’ આ વખતે ચૂપચાપ મેદાનમાંથી હોટલ તરફ રવાના થઈ ગયો. તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટપણે દેખાઈ રહી હતી, જેણે તેના ભવિષ્ય અંગેની ચર્ચાઓને વધુ વેગ આપ્યો છે.
રોહિત નિરાશ, જયસ્વાલ પર નજર
જે સમયે રોહિત શર્મા નેટ્સમાં પરસેવો પાડી રહ્યો હતો, તે જ સમયે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીર, મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને પસંદગી સમિતિના સભ્ય શિવ સુંદર દાસ યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ સાથે લાંબી ચર્ચા કરતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય એ વાતનો સંકેત આપી રહ્યું છે કે ટીમ મેનેજમેન્ટ હવે ભવિષ્યનું આયોજન કરી રહ્યું છે, જેમાં યશસ્વી જયસ્વાલને શુભમન ગિલ સાથે ઓપનિંગ સ્લોટ માટેના પ્રબળ દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યો છે.

