ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સચિવ દેવજીત સૈકિયાએ મોટો આરોપ લગાવ્યો છે કે ભારતીય ટીમે એશિયા કપ 2025 ફાઇનલમાં ટ્રોફી અને મેડલ સ્વીકારવાનો ઇન્કાર કર્યા પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અધ્યક્ષ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ચેરમેન મોહસીન નકવી ટ્રોફી અને મેડલ પોતાની સાથે લઈ ગયા હતા. દેવજીત સૈકિયાએ કહ્યું કે, ‘બીસીસીઆઇ આવતા મહિને યોજાનારી આઇસીસીની બેઠકમાં આ મુદ્દા અંગે ઔપચારિક ફરિયાદ નોંધાવશે.’

બીસીસીઆઇનું મોહસીન નકવીને અલ્ટીમેટમ
મોહસીન નકવીને અલ્ટીમેટમ આપતા બીસીસીઆઇ BCCI સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું, ‘અમે પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે અમે એસીસી ચેરમેન પાસેથી ટ્રોફી સ્વીકારીશું નહીં, જે પાકિસ્તાનના સૌથી અગ્રણી નેતાઓમાંના એક છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેમણે ટ્રોફી અને મેડલ લઈને ચાલ્યા જવું જોઈએ. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને રમતની ભાવનાની વિરુદ્ધ છે. અમને આશા છે કે ટ્રોફી અને મેડલ ટૂંક સમયમાં ભારત પરત કરવામાં આવશે. અમે નવેમ્બરમાં ICC કોન્ફરન્સમાં આનો વિરોધ કરીશું.’ભારતીય ટીમે મોહસીન પાસેથી ટ્રોફી કેમ ના સ્વીકારી?
બીસીસીઆઇના સચિવ દેવજીત સૈકિયાએ એ પણ સમજાવ્યું કે ભારતીય ટીમે પીસીબી પ્રમુખ મોહસીન નકવી પાસેથી ટ્રોફી કેમ ન સ્વીકારી. તેમણે કહ્યું કે, ‘ભારતીય ટીમ ક્યારેય એવા વ્યક્તિ પાસેથી ટ્રોફી સ્વીકારી શકે નહીં જે ભારત સામે યુદ્ધ કરી રહ્યો છે. જ્યાં સુધી ટ્રોફી અને ટ્રોફી વિતરણનો સવાલ છે, ભારત આવા વ્યક્તિ પાસેથી ટ્રોફી સ્વીકારી શકે નહીં, પરંતુ આનાથી જેન્ટલમેનને ટ્રોફી અને મેડલ હોટલમાં લઈ જવાની પરવાનગી મળતી નથી.
વર્ષ 2022નું ઉદાહરણ આપતા બીસીસીઆઇના સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું કે, ‘જો નકવી ઇચ્છતા હોત તો તે કોઈ બીજાને ટ્રોફી ભેટમાં આપી શક્યા હોત. તેમણે યાદ કર્યું કે જ્યારે 2022માં શ્રીલંકાએ એશિયા કપ જીત્યો હતો, ત્યારે તત્કાલીન એસીસી પ્રમુખ જય શાહે ટ્રોફી ભેટમાં આપી ન હતી.’
બીસીસીઆઇ હંમેશા સરકારની નીતિનું પાલન કરે છે.
ભારત સરકારની નીતિઓ અંગે દેવજીત સૈકિયાએ કહ્યું કે, ‘અમે છેલ્લા 12-15 વર્ષથી સરકારની નીતિનું પાલન કરીએ છીએ. સરકાર કહે છે કે પાકિસ્તાન કે કોઈ દુશ્મન દેશ સાથે કોઈ દ્વિપક્ષીય શ્રેણી નહીં થાય. પરંતુ અમારે બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમવું જ જોઈએ નહીંતર આંતરરાષ્ટ્રીય ફેડરેશનો અમારા પર પ્રતિબંધ મૂકશે.’
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે એશિયા કપ 2025ની ફાઇનલ મેચમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું હતું. વિજય બાદ ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ મોહસીન નકવી સ્ટેજ પર અડગ રહ્યા અને પરિણામે ભારતીય ટીમ ટ્રોફી વિના હોટેલ પરત કરી, જ્યારે મોહસીન નકવી ટ્રોફી અને મેડલ પોતાની સાથે લઈ ગયા હતા.

