ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોબાર્ટના બેલેરાઇવ ઓવલ ખાતે રમાયેલી ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે 5 વિકેટે શાનદાર વિજય મેળવીને પાંચ મેચોની શ્રેણીમાં 1-1થી બરોબરી કરી લીધી છે. ભારતે 187 રનના લક્ષ્યાંકને 9 બોલ બાકી રાખીને હાંસલ કરી લીધો હતો.
ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 186 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ટિમ ડેવિડે (74 રન, 38 બોલ) અને માર્કસ સ્ટોઇનિસે (64 રન, 39 બોલ) વિસ્ફોટક બેટિંગ કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. ટિમ ડેવિડે 8 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે સ્ટોઇનિસે 8 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહે 3 વિકેટ, વરુણ ચક્રવર્તીને 2 વિકેટ અને શિવમ દુબેએ એક વિકેટ ખેરવી હતી.

187 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી, જોકે નિયમિત અંતરાલે વિકેટો ગુમાવતા રહ્યા હતા. ઓપનર અભિષેક શર્માએ 16 બોલમાં 25 રન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે 11 બોલમાં ઝડપી 24 રન નોંધાવ્યા હતા. તિલક વર્માએ 29 રન બનાવીને ઇનિંગ્સને સંભાળી હતી.
જોકે, ત્યારબાદ છઠ્ઠા ક્રમાંકે આવેલા વોશિંગ્ટન સુંદરે બાજી પલટી નાખી હતી. સુંદરે માત્ર 23 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 49 રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત સાતમાં ક્રમાંકે આવેલા જીતેશ કુમારે 13 બોલમાં 22 રન ફટકારી મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. સુંદર અને જીતેશ શર્માએ અણનમ ભાગીદારી કરીને ભારતને 18.3 ઓવરમાં 5 વિકેટે 188 રન સુધી પહોંચાડી વિજય અપાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસે 3 વિકેટ લીધી હતી. ભારત તરફથી શાનદાર બોલિંગ પ્રદર્શન કરનાર અર્શદીપ સિંહને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.

