SPORTS : પાકિસ્તાનમાં મેચ રમવા ગયેલા ખેલાડીઓને લાગ્યો ડર, શ્રીલંકા બોર્ડે ધમકાવતા કહ્યું- પાછા આવ્યા તો એક્શન લઈશું

0
54
meetarticle

SL vs PAK: ઇસ્લામાબાદમાં આત્મઘાતી હુમલા બાદ પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા થયા છે, જેના કારણે પ્રવાસી શ્રીલંકન ક્રિકેટ ટીમ ડરી ગઈ છે અને કેટલાક ખેલાડીઓ તાત્કાલિક દેશ છોડવા માંગે છે. જોકે, શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC)એ ખેલાડીઓ અને સ્ટાફને ચેતવણી આપી છે કે જો તેઓ બોર્ડના આદેશ વિરુદ્ધ પાકિસ્તાન છોડશે તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે.

ઇસ્લામાબાદમાં મંગળવારે થયેલા કાર બૉમ્બ ધમાકાને કારણે શ્રીલંકન ક્રિકેટ કેમ્પમાં ભય ફેલાયો હતો. અહેવાલ છે કે ધમાકા વખતે પાકિસ્તાની ટીમ પણ તે જ વિસ્તારમાં હાજર હતી. આ ઘટનાના પગલે, શ્રીલંકા ટીમના આઠ ખેલાડીઓ અને કેટલાક સપોર્ટ સ્ટાફે તરત જ સ્વદેશ પાછા ફરવાની ઇચ્છા દર્શાવી. ખેલાડીઓએ જણાવ્યું કે પાકિસ્તાનમાં સ્થિતિ બગડી રહી છે અને હવે અહીં રહેવું સલામત નથી.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે (SLC) ખેલાડીઓના પરત ફરવાના નિર્ણયને નકારી કાઢ્યો છે. બોર્ડના જણાવ્યા મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપવામાં આવી હોવાથી, કોઈએ પણ પાછા ફરવાની જરૂર નથી. SLCએ તેના નિવેદનમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે બોર્ડના આદેશનો ભંગ કરીને જો કોઈ ખેલાડી કે સ્ટાફ પાકિસ્તાન છોડશે, તો તેમની સામે ઔપચારિક સમીક્ષા કરીને શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. એટલે કે, જે ખેલાડીઓ પાકિસ્તાનમાંથી ભાગશે, તેમને શ્રીલંકા પરત ફર્યા બાદ બોર્ડના કડક પગલાંનો સામનો કરવો પડી શકે છે.

સૂત્રો અનુસાર, શ્રીલંકન ખેલાડીઓએ પાકિસ્તાનમાંથી બહાર નીકળવા અને પ્રવાસ અધવચ્ચે રદ કરવાની માંગ કરી. તેમણે અત્યાર સુધી માત્ર એક વનડે રમી છે, જ્યારે બે વનડે અને ઝિમ્બાબ્વે સાથેની ત્રિકોણીય T20 સિરીઝ બાકી છે. ખેલાડીઓની ચિંતાને પગલે, મોડી રાત્રે બોર્ડ અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે લાંબી બેઠક યોજાઈ, જેના પરિણામે PCB અધ્યક્ષ મોહસિન નકવીએ બાકીની બે વનડે મેચને એક દિવસ લંબાવીને હવે 14 અને 16 નવેમ્બરે યોજવાની જાહેરાત કરી.

આ ઘટના પાકિસ્તાનની છબી માટે મોટો ફટકો છે. ભૂતકાળમાં વારંવારના આતંકી હુમલાઓને કારણે ઘણી ટીમે પ્રવાસ રદ કર્યા છે અને હવે શ્રીલંકન ટીમ પણ અસુરક્ષિત અનુભવી રહી હોવાથી પાકિસ્તાનની યજમાનીની ક્ષમતા પર ફરી ગંભીર સવાલો ઊભા થયા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here