ક્રિકેટ વિશ્વમાં કટ્ટર પ્રતિસ્પર્ધી ભારત અને પાકિસ્તાનની મેચની હંમેશા માત્ર બંને દેશ જ નહીં આખી દુનિયાના ક્રિકેટ ચાહકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ જ કારણથી બંને દેશ વચ્ચે મેચની જાહેરાત સાથે જ સ્ટેડિયમની ટિકિટો ખૂબ જ ઊંચા ભાવે વેચાઈ જાય છે. મેચના પ્રસારણ વખતે જાહેરાતોના ભાવ પણ ખૂબ જ ઊંચા હોય છે. પરંતુ આ વખતે પરિસ્થિતિ એકદમ વિપરિત છે. પહલગામમાં આતંકી હુમલાના કારણે સમગ્ર ભારતમાં લોકો પાકિસ્તાન સામે ક્રિકેટ મેચનો તિવ્ર વિરોધ કરી રહ્યા છે. કરોડો ક્રિકેટ ચાહકોએ સ્ટેડિયમ જ નહીં ટેલિવિઝન પર પણ ભારત-પાકિસ્તાન મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. જનતાના આ બહિષ્કાર અને આક્રોશ વચ્ચે રવિવારે દુબઈમાં એશિયા કપ હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ હંમેશા મહામુકાબલો મનાતો હોય છે. પરંતુ એશિયા કપમાં રવિવારે યોજાનારી ભારત અને પાકિસ્તાનની મેચ માટે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમની અડધી ટિકિટો પણ વેચાઈ નથી તેમ વિવિધ મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. ઊંચા ભાવે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોનું વેચાણ થતું નહીં હોવાથી એશિયન ક્રિકેટ પરિષદે ઈમર્જન્સી પગલું ઉઠાવતા ટિકિટોના ભાવ રૂ. ૧૧,૪૦૦થી ઘટાડીને રૂ. ૮,૪૦૦ કરી દીધા હતા. એટલે કે ટિકિટોના ભાવમાં ૨૭ ટકા જેવો ધરખમ ઘટાડો કરવા છતાં પણ દુબઈમાં સ્ટેડિયમની ટિકિટો વેચાઈ નહીં હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. નોંધનીય છે કે પહલગામ આતંકી હુમલાના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તતી રાજકીય તંગદીલીના કારણે એશિયા કપની મેચો યુએઈમાં શિફ્ટ કરાઈ છે.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાના પગલે ભારતમાં ભારત-પાકિસ્તાનની મેચનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, જેની ટિકિટોના વેચાણ પર ગંભીર અસર પડી છે. અનેક પૂર્વ ભારતીય ક્રિકેટર અને કમેન્ટેટર જ નહીં બીસીસીઆઈના અધિકારીઓ પણ આ મેચના બહિષ્કારમાં જોડાયા છે. સોશિયલ મીડિયા પર લાખો લોકોએ એશિયા કપનો બહિષ્કાર કર્યો હોવાની જાહેરાત કરી છે. લોકોએ ત્યાં સુધી કહી રહ્યા છે કે તેઓ ટેલિવિઝન પર પણ ક્રિકેટ મેચ જોશે નહીં. એશિયા કપની જાહેરાત સમયે પણ જનતાએ કેન્દ્ર સરકાર, બીસીસીઆઈ અને ખેલાડીઓને પાકિસ્તાન સામે મેચ નહીં રમવા હાકલ કરી હતી. પરંતુ બધા ના વિરોધ વચ્ચે રવિવારે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ રમાવાની છે.
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ અંગે લૂલો બચાવ કરતા ભાજપ સાંસદ અને ભૂતપૂર્વ સ્પોર્ટ્સ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, ભારતે પાકિસ્તાન સામે દ્વિ-પક્ષીય ટુર્નામેન્ટનો બહિષ્કાર કર્યો છે અને તે ચાલુ જ રહેશે. પરંતુ ભારત બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટનો વિરોધ કરી શકે તેમ નથી. આ પ્રકારની મેચોમાં ભારતની ભાગીદારી તેની કુટનીતિક અને રાષ્ટ્રીય નીતિઓના બદલે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના નિયમો મુજબ છે. એસીસી અથવા આઈસીસી બહુરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે તો સભ્ય દેશો માટે તેમાં ભાગ લેવો ફરજિયાત બની જાય છે. ભારત આ પાકિસ્તાન સામેની મેચમાં ભાગ ના લે તો તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જઈ શકે છે અને તેનો લાભ પાકિસ્તાનને મળશે. એક અહેવાલ મુજબ પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ માટે તૈયાર થઈ જનાર બીસીસીઆઈના અધિકારીઓ આ મેચનો ‘બહિષ્કાર’ કરવાના છે. તેઓ ભારત-પાકિસ્તાનની મેચ સમયે દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં હાજર નહીં રહે.
દરમિયાન પહલગામમાં આતંકી હુમલાનો ભોગ બનનાર શુભમ દ્વિવેદીની પત્ની એશાન્યા દ્વિવેદીએ ભારત-પાકિસ્તાન મેચ અંગે સવાલ ઉઠાવ્યો છે. એશાન્યાએ કહ્યું કે, પાકિસ્તાન આ મેચથી થનારી કમાણીનો ઉપયોગ આતંકીઓ પર કરશે અને આ આતંકીઓ ફરી ભારત પર હુમલો કરશે. બીસીસીઆઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ સ્વીકાર કરવાની જરૂર નહોતી. મને લાગે છે કે બીસીસીઆઈ પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા ૨૬ હિન્દુઓ અને તેમના પરિવારો પ્રત્યે ભાવુક નથી, કારણ કે આ ૨૬ પરિવારોમાં બીસીસીઆઈના પરિવારોમાંથી કોઈ નહોતું. બીસીસીઆઈએ પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચ માટે પહલગામમાં આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂરમાં થયેલા નુકસાનને ભૂલાવી દીધા છે. તેમણે આ મેચનો વિરોધ નહીં કરનારા ક્રિકેટરોની પણ ટીકા કરી હતી.

