ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રતિષ્ઠિત એશિઝ સિરીઝ 2025-26નો પ્રથમ મુકાબલો પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાયો, જેમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર બે દિવસમાં જ ઇંગ્લેન્ડને કારમી હાર આપી. ટ્રેવિસ હેડની તોફાની સદી અને ઇંગ્લેન્ડની ‘બેઝબોલ’ શૈલીની બેદરકાર બેટિંગને કારણે આ બ્લોકબસ્ટર ટેસ્ટ મેચ માત્ર બે દિવસમાં જ પૂરી થઈ ગઈ.

ઓસ્ટ્રેલિયાને કેમ કરોડોનું નુકસાન?
જોકે, ઓસ્ટ્રેલિયાની આ શાનદાર જીત ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) માટે એક મોટો આર્થિક ફટકો લઈને આવી છે. મેચ બે દિવસમાં જ સમાપ્ત થઈ જવાને કારણે હવે બોર્ડને ત્રીજા અને ચોથા દિવસની ટિકિટ ખરીદનારા હજારો દર્શકોને પૈસા પાછા આપવા પડશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને 25-30 કરોડનું નુકસાન આ ટેસ્ટ મેચ સંપૂર્ણપણે ‘સોલ્ડ આઉટ’ હતી. હવે મેચ વહેલી પૂરી થવાને કારણે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને માત્ર ટિકિટ રિફંડથી જ લગભગ 3 મિલિયન યુએસ ડોલર (25 કરોડ રૂપિયાથી વધુ)નું નુકસાન થવાનો અંદાજ છે. કુલ મળીને આ નુકસાન 25 થી 30 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આર્થિક રીતે પહેલેથી જ નુકસાનનો સામનો કરી રહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે આ એક નવી સમસ્યા છે, જે વિરોધાભાસી રીતે ટ્રેવિસ હેડની શાનદાર બેટિંગને કારણે ઊભી થઈ છે. જો હેડે ધીમી ગતિએ બેટિંગ કરી હોત, તો મેચ ઓછામાં ઓછી ત્રીજા દિવસ સુધી ચાલી શકી હોત.
એક લાખ દર્શકો પહોંચ્યા પર્થ
પર્થ ટેસ્ટમાં બે દિવસમાં રેકોર્ડ 1,01,514 દર્શકો મેચ જોવા પહોંચ્યા હતા, જેણે ગયા વર્ષે ભારત સામેની મેચના રેકોર્ડને તોડી નાખ્યો હતો. શુક્રવારે 51,531 અને શનિવારે 49,983 દર્શકો હાજર રહ્યા હતા. ત્રીજા દિવસની પણ લગભગ તમામ ટિકિટો વેચાઈ ચૂકી હતી

