ક્રિકેટ જગતના ઈતિહાસમાં અમુક એવા નિર્ણયો હોય છે જે દાયકાઓ સુધી ભૂલાતા નથી. આવો જ એક વિવાદાસ્પદ કિસ્સો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વર્ષ 2003-04ના ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બેન ટેસ્ટમાં બેટર સચિન તેંડુલકરને અપાયેલા ખોટા એલબીડબલ્યુ (LBW) આઉટના અંગે અમ્પાયર સ્ટીવ બકનરે 22 વર્ષે ભૂલ સ્વીકારી છે. બકનરે કબૂલ્યું છે કે, જીવનમાં ઘણી ભૂલો થઈ જતી હોય છે. એ દિવસે મારાથી સચિનને આઉટ આપવાનો નિર્ણય ખોટો હતો. બ્રિસ્બેન ટેસ્ટમાં સચિન તેંડુલકરને LBW આઉટ આપવો મોટી ભૂલ હતી

બ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પીના એક બોલને સચિને રમવાને બદલે છોડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બોલ તેના પેડ પર જઈને વાગ્યો હતો. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની જોરદાર અપીલ બાદ અમ્પાયર બકનરે સચિનને આઉટ જાહેર કર્યો હતો. ત્યારે તે માત્ર ત્રણ રન પર રમી રહ્યો હતો.જો કે, મેચ બાદ ટીવી રિપ્લેમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે, બોલ સ્ટમ્પની ઉપરથી જઈ રહ્યો હતો અને સચિન સ્પષ્ટપણે નોટ આઉટ હતો. એ ભૂલના કારણે કરોડો ક્રિકેટ ચાહકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
