બાંગ્લાદેશની કાર્યવાહક સરકાર દ્વારા તેની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને ભારતમાં T20 વર્લ્ડ કપમાં ન મોકલવાનો નિર્ણય તેના ક્રિકેટ બોર્ડ (BCB)ને કંગાળ કરી શકે છે. ભલે સરકાર પોતાના નિર્ણય પર અડગ હોય, પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પાછલા બારણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સમક્ષ સતત વિનંતીઓ કરી રહ્યું છે.

સરકાર અડગ, બોર્ડ લાચાર
BCB એ ICCને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે બોર્ડ અને ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં રમવા માંગે છે, પરંતુ સરકારની પરવાનગી વિના તે શક્ય નથી. બોર્ડ હજુ પણ આશા રાખી રહ્યું છે કે ICC તેની મેચો શ્રીલંકામાં શિફ્ટ કરવા માટે સંમત થાય. જોકે, ICCના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તમામ પરિસ્થિતિઓ પર વિચાર કરી રહ્યા છે, જેમાં BCB પર પ્રતિબંધ લગાવવાનો વિકલ્પ પણ સામેલ છે.
પ્રતિબંધ લાગશે તો શું થશે?
જો ICC દ્વારા BCB પર પ્રતિબંધ લગાવવામાં આવે છે, તો બાંગ્લાદેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. બાંગ્લાદેશની ટીમ અને તેમના ખેલાડીઓની રેન્કિંગ પર ગંભીર અસર થશે. કોઈ પણ વિદેશી ટીમ બાંગ્લાદેશના પ્રવાસે નહીં જઈ શકે અને બાંગ્લાદેશની ટીમ પણ વિદેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકશે નહીં.
ખેલાડીઓ કરી શકે છે બળવો, કમાણી પર પડશે સીધી અસર
આ પ્રતિબંધની સૌથી મોટી અસર ખેલાડીઓની કમાણી પર પડશે. તેઓ IPL સહિત વિશ્વભરની કોઈપણ ICC માન્ય લીગમાં ભાગ લઈ શકશે નહીં. આનાથી તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર થઈ શકે છે અને એવી પણ સંભાવના છે કે દેશના ખેલાડીઓ BCB વિરુદ્ધ બળવો કરી શકે છે.
વિવાદનું મૂળ ક્યાં છે?
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે બાંગ્લાદેશના અનુભવી ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને BCCIના નિર્દેશો અને પાડોશી દેશોની ખરાબ પરિસ્થિતિને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી બહાર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ બંને દેશોના ક્રિકેટ સંબંધોમાં તણાવ વધ્યો અને BCBએ ભારતમાં T20 વર્લ્ડ કપ ન રમવાનું વલણ અપનાવ્યું. જોકે, ICCએ તમામ પાસાઓની સમીક્ષા કર્યા બાદ બાંગ્લાદેશને ભારતમાં જ રમવા માટે નિર્દેશ આપ્યો હતો, પરંતુ બોર્ડ પોતાના નિર્ણય પર અડગ રહ્યું.
સરકારની દલીલ અને ICCની મજબૂરી
બાંગ્લાદેશ સરકારના રમતગમત સલાહકાર નઝરુલે કહ્યું કે, “ખેલાડીઓ, દર્શકો અને પત્રકારોને જોખમી રાજકીય પરિસ્થિતિમાં ધકેલવાથી થનારી સંભવિત આફતની તુલનામાં ટૂર્નામેન્ટમાં ન રમવાથી થતું નુકસાન ઓછું છે.” બીજી તરફ, ICCના સૂત્રોનું કહેવું છે કે, “જો અમે BCBના કહેવા પર સ્થળ બદલીએ, તો અન્ય ટીમો અને ચાહકો માટે ગંભીર સમસ્યાઓ ઉભી થશે અને ICCના સંચાલનની નિષ્પક્ષતા અને અખંડિતતાને ખતરો ઉભો થશે.”
આર્થિક નુકસાનનો પહાડ
ICC રેવન્યુ: ICCના 2024-2027 માં BCBને વાર્ષિક આશરે 2.45 અબજથી 2.65 અબજ રૂપિયા મળવાનો અંદાજ છે, જે ગુમાવવા પડી શકે છે.
ટુર્નામેન્ટ ફી: T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં ભાગ લેવા બદલ મળતી લગભગ પાંચ કરોડ રૂપિયાની ફીનું પણ નુકસાન થશે.
અન્ય નુકસાન: જો ICC બાંગ્લાદેશને સસ્પેન્ડ કરે છે, તો તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી પણ બહાર થવું પડશે. આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રાન્ડ વેલ્યુ ઘટશે, બ્રોડકાસ્ટર્સ અને પ્રાયોજકો દૂર થઈ જશે, અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) પણ બંધ થઈ શકે છે.

