ભારતે ગુવાહાટીના બારાસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે હરાવી શ્રેણીમાં શાનદાર જીત મેળવી છે. ટોસ જીતીને ભારતે ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું, જેમાં કિવી ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 153 રન કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમે માત્ર 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 155 રન બનાવી મેચ જીતી લીધી હતી. આ જીતના મુખ્ય હીરો અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવ રહ્યા હતા, જેમણે મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી ફિફ્ટી ફટકારી હતી. જ્યારે બોલિંગમાં જસપ્રિત બુમરાહે કિવી બેટરોને ધૂળ ચટાડી હતી. અભિષેક શર્માએ માત્ર 14 બોલમાં 4 સિક્સ અને 5 ફોરની મદદથી અડધી સદી પૂરી કરી હતી, જે યુવરાજ સિંહના 12 બોલના રેકોર્ડની નજીક પહોંચી ગઈ છે.

ન્યૂઝીલેન્ડનો સ્કોર : સૌથી વધુ ગ્લેન ફિલિપ્સના 48 રન
ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 40 બોલમાં 6 ફોર અને 1 સિક્સ સાથે 48 રન બનાવ્યા હતા. માર્ક ચેપમેને 23 બોલમાં 2 ફોર અને 2 સિક્સ સાથે 32 રન, જ્યારે કેપ્ટન મિશેલ સેન્ટનરે 17 બોલમાં 3 ફોર અને 1 સિક્સ ફટકારી 27 રનનું યોગદાન આપ્યું હતું. ડેરીલ મિશેલે 8 બોલમાં 1 ફોર અને 1 સિક્સ સાથે 14 રન, ટિમ સીફર્ટે 11 બોલમાં 1 ફોર સાથે 12 રન, રચિન રવીન્દ્રએ 5 બોલમાં 1 ફોર સાથે 4 રન, જેકબ ડફીએ 3 બોલમાં 4 રન અને કાઈલ જેમીસને 5 બોલમાં 3 રન કર્યા હતા. આ સિવાય ઇશ સોઢી 5 બોલમાં 2 રન, ડેવોન કોનવે 2 બોલમાં 1 રન અને મેટ હેનરી 1 બોલમાં 1 રન બનાવી શક્યા હતા.ભારતીય બોલરોએ શિસ્તબદ્ધ પ્રદર્શન કર્યું હતું. જસપ્રિત બુમરાહે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ અને હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 23 રન આપી 2 વિકેટ મેળવી હતી. હર્ષિત રાણાએ 4 ઓવરમાં 35 રન આપી 1 વિકેટ ઝડપી હતી, જ્યારે કુલદીપ યાદવ અને શિવમ દુબે વિકેટ મેળવવામાં સફળ રહ્યા ન હતા.
અભિષેક-સૂર્યાએ ફાસ્ટ ફિફ્ટી ફટકારી માત્ર 10 ઓવરમાં મેચ જીતાડી
ભારત તરફથી અભિષેક શર્માએ માત્ર 20 બોલમાં 7 ફોર અને 5 સિક્સની મદદથી અણનમ 68 રન બનાવી વિજય અપાવ્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ આક્રમક બેટિંગ કરતા 26 બોલમાં 6 ફોર અને 3 સિક્સ સાથે અણનમ 57 રન ફટકાર્યા હતા. ઇશાન કિશને 13 બોલમાં 3 ફોર અને 2 સિક્સ સાથે 28 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે સંજુ સેમસન શૂન્ય રને આઉટ થયો હતો

